શહેરના હયાત બ્રિજને ગ્રીન બ્રિજ બનાવો

ડે.મેયર દર્શિતાબેન શાહ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત
રાજકોટ તા.17
રાજકોટ શહેરના હયાત બ્રીજને ગ્રીન બ્રીજ બનાવવા ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે રજૂઆત કરી છે. ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ગ્રીન બ્રીજ બનાવવા સંદર્ભ રજૂઆત કરેલ છે. જેમાં તેઓએ જણાવેલ છે કે, આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતી જાય છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવવી દરેક નાગરિકની ફરજ છે. આજે શહેરોનો સતત વિકાસ થતો જાય છે. જેને પરિણામે શહેરમાં કોંક્રીટના જંગલો જોવા મળે છે. વ્રુક્ષોની સંખ્યા ઘટતી જાય છે. તેની અસર વાતાવરણ ઉપર પડે તે સ્વાભાવિક બાબત છે.
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પ્રત્યે લોકોની જાગૃતતા કેળવવા આપણે પણ પ્રયત્ન કરવો જરૂરી છે. જે અનુસંધાને સ્માર્ટ સિટી સાથે ગ્રીન સિટી બનાવવા શહેરના હયાત બ્રીજને ગ્રીન બ્રિજ બનાવવા જરૂરી છે. જેમાં પ્લાસ્ટિક પેનલથી છોડની જાળવણી કરી, ગ્રીનરી કરવામાં આવે છે. તેમજ આ પદ્ધતિમાં પાણીનો બગાડ પણ ઓછો થાય છે. અને ટપક પદ્ધતિથી પાનીનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રીજ નીચે રહેલ પીલોર ફરતે ગ્રીનરી કરવામાં આવે જેથી હવાના પ્રદુષણમાં પણ ઘટાડો થાય તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ ઘટે અને સ્માર્ટ સિટીના નવા અભિગમ સાથે પર્યાવરણની જાળવણી પણ શકય થાય. તેમજ કોર્પોરેશનની આવકમાં સ્ત્રોતમાં વધારો કરવા આ પીલોરની એક તરફ એલ.ઈ.ડી. હોર્ડીંગ્ઝ લગાવવામાં આવે જેથી આવકનો નવો સ્ત્રોત પણ શકય બંને તેમજ શહેરીજનોને વ્રુક્ષો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતામાં વધારો થાય. સ્માર્ટ સિટીના નવા અભિગમ સાથે રાજકોટ શહેરના હયાત બ્રીજને ગ્રીન બ્રીજ બનાવવા સંદર્ભ કાર્યવાહી કરવા વધુમાં ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે રજૂઆતમાં જણાવેલ છે.