ગુરુવારે મહાપાલિકા કચેરીની ફરતે માનવસાંકળ; કાળા વાવટા ફરકાવાશે

બેટી બચાઓ, લોકશાહી બચાઓ અને પબ્લિક ગેલેરી બચાઓ એવો ત્રેવડો ઉપક્રમ કોર્પો.ના શાસકો વિરૂદ્ધ રાજકોટ મતદાર એકતા મંચ મેદાને ઉતરવા સજ્જ
બાળકીઓ પરના બળાત્કાર અને લોકશાહીમાં રાજકીય પક્ષોની જોહુકમીનો પણ વિરોધ રાજકોટ,તા.17
બેટી બચાવવા, લોકશાહી બચાવવા અને પબ્લીક ગેલેરી બચાવવાના ત્રેવડા ઉપક્રમે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની મુખ્ય કચેરીના બીલ્ડીંગ ફરતે માનવ-સાંકળ રચીને ગુરૂવાર તા.19ના સવારે 9થી11 દરમ્યાન કાળાવાવટા, બેનરો અને પ્લેકાર્ડઝ પ્રદર્શીત કરી રાજકોટને ઢંઢોળવાનો પ્રયત્ન ‘રાજકોટ મતદાર એકતામંચ દ્વારા કરવામાં આવશે’
ઉન્નાવ, કઠુવા, સુરત અને હવે રાજકોટમાં પણ નવ વર્ષની નાની બાળકી પર 15 દિવસોમાં ત્રણ વખત નરાધમ દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું છે. ત્યારે, હવે જે બેટીઓ અવતરી ચુકી છે, તે માસુમ દીકરીઓને બચાવવા માનવ-સાંકળ રચીને સરકાર સામે કાળા વાવટાનું પ્રદર્શન કરાશે. છેલ્લા 70 વર્ષોથી ભારતની જનતાને સતત લોકશાહી-લોકશાહીનું રટણ કરાવીને પક્ષશાહીએ લોકશાહીનું સફળતાપૂર્વક અપહરણ કરી લીધું છે અને આપણે જ્યારે ઉલમાંથી ચૂલમાં પડ્યા જ છીએ અને અંગે્રજો નામનું બકરૂં કાઢવા ગયા તો રાજકિય પક્ષો નામનો ઉંટ પ્રવેશી જ ગયો છે. ત્યારે લોકશાહીને બચાવવાની તાતી જરૂરીયાત પણ ઉભી થઇ જ છે તેમ મંચનું માનવું છે.
છેલ્લા એકાદ વર્ષથી વધુ સમય થયા ભાજપ અને કોંગ્રેસ બન્નેની સત્તા માટેની યાદવાસ્થળીમાં કોર્પોરેશનમાં સામાન્ય સભાની બેઠક દરમ્યાન પબ્લીક ગેલેરીમાં પબ્લીકના પ્રવેશના બીપીએમસી એક્ટ-1949 મુજબના બંધારણીય હક્કને મેયર જૈમનભાઇ ઉપાધ્યાયની જોહુકમી અને ભાજપની દાદાગીરી ભરખીને ઓહિયા કરી જવાની તૈયારીમાં છે ત્યારે રાજકોટના વહીવટને જોવા-જાણવા-સમજવાનો મૂળભુત બંધારણીય હક્ક જોખમમાં છે ત્યારે, પબ્લીક ગેલેરીને પણ બચાવવી જરૂરી છે.
આમ બેટી, લોકશાહી અને પબ્લીક ગેલેરી બચાવવાના ત્રેવડા ઉપક્રમે ગુરૂવાર તા.19/4ના સવારે 9 વાગ્યે કોર્પોરશેન બીલ્ડીંગ ફરતે માનવ-સાંકળ રચીને કાળા-વાવટા ફરકાવાશે જેમાં સૌ રાજકોટવાસીઓને ઉમટી પડવા અશોકભાઇ પટેલે હાકલ કરી છે.