કરણીસેના દ્વારા રાત્રે કેન્ડલ માર્ચ

કઠુઆ, ઉન્નાવ અને સુરતના શરમજનક બનાવોના વિરોધમાં રાત્રે 10 વાગ્યે કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક સુધી કેન્ડલમાર્ચ યોજાશે
રાજકોટ તા,17
કઠુઆ, ઉન્નાવ તથા સુરતમાં માસુમ બાળાઓ પર દુષ્કર્મના બનાવોથી સભ્ય સમાજ શર્મસાર થયો છે ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા આ ત્રણેય ઘટનામાં આરોપીઓને કડક સજાની માગ સાથે આજરોજ આવેદન અપાયુ હતું. કરણીસેના દ્વારા આજે રાત્રે 10 કલાકે કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી કેન્ડલમાર્ચનું આયોજન થયુ છે.
‘ગુજરાત મિરર’ કાર્યાલયે આવેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કેસનો ઝડપથી ઉકેલ લાવવા માટે કોર્ટ દ્વારા ફાસ્ટ ટ્રક કોર્ટની રચના કરવામાં આવે અને આરોપીઓ સામે કાયદાકીય કામગીરી ઝડપથી પૂરી કરીને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી કોઈપણ અનિચ્છનિય, દુ:ખદ તેમજ શર્મજનક ઘટના ન બને તે માટે આવા કૃત્યો કરનારા નરાધમો સામે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવડાવવા અને સરકારશ્રી દ્વારા સખત કાયદાઓ બનાવવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.
આ નિંદનિય ઘટનાઓના વિરોધમાં આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે.જેમાં જોડાવવા માટે સર્વ સમાજને હાકલ છે.
આ તકે ચંદુભા પરમાર, યોગીરાજસિંહ તલાટિયા, યુવરાજસિંહ ડોડિયા, જોગેન્દ્રસિંહ ચંપાવત, યુવરાજસિંહ ડોડિયા, મૌલિકસિંહ વાઢેર, મહિપતસિંહ ખેર, તીર્થરાજસિંહ ડોડિયા, જયદિપસિંહ ભાટી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, અશોકસિંહ પરમાર, સંદિપભાઈ રબારી, મનોજસિંહ ડોડિયા, વિશાલસિં! રહેવર વગેરે હાજર રહ્યા હતા. (તસવીર: પ્રવીણ સેદાણી)