અમદાવાદ : પોલીસ પર ટોળાની કાશ્મીર સ્ટાઇલ ભારે પથ્થરબાજી

પોલીસે ટીયરગેસના સેલ છોડી ટોળા વિખેરવા પડયા
અમદાવાદ તા.17
અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આજે બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. ભુદરપુરા નજીક ઘર્ષણની શરૂઆત થઈ હતી. જુથ અથડામણ કયા કારણોસર થઈ તે ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ, યુવતીની છેડતીને લઈને આ આ જુથ અથડામણ થઈ હોવાનું કહેવાય છે.
ટોળા તરફથી ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લોકોના વિફરેલા ટોળાએ આગચંપીને પણ અંજામ આપ્યો હતો. કાશ્મીરના પથ્થરબાજોની સ્ટાઇલમાં થયેલા પથ્થરમારામાં એક પોલીસ જવાનને ઈજા પંહોંચી હતી. પોલીસે ટીયરગેસના 8 સેલ છોડ્યાં હતાં.
ઘટનાની વિગત પ્રમાણે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના ભુદરપુરા ખાતે બાબા સાહેબ આંબેડકર કોલોની નજીક કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ ઘર્ષણે ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયાં હતાં. જોત જોતામાં તો આ ઘર્ષણ જુથ અથડામણમાં પરિણમ્યું હતું. બંને તરફથી લોકોના ટોળા સામસામે આવી ગયાં હતાં. ટોળાએ એકબીજા પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો કર્યો હતો. પથ્થરબાજીની નવી કાશ્મીર સ્ટાઇલ પેટર્નથી પોલીસ તંત્ર પણ ચોકી ઉઠયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ટોળાએ પોલીસે પણ છોડી ન હતી અને પોલીસ તથા તેમની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. ટોળાએ આગચંપી પણ કરી હતી. બે બાઈકમાં આગ ચાંપવામાં આવી હતી. અંતે પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના 8 સેલ છોડ્યાં હતાં. સ્થિતિને ધ્યાનમાં રાખી ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીની છેડતી મામલે વિવાદ થયો હતો. જે અંતે જુથ અથડામણમાં પરિણમ્યો હતો.