રાજકોટ વાસીઓને સુવિધા પૂરી પાડવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા મદલાણી

રાજકોટ,તા.17
સ્માર્ટ સિટી તરફ આગળ વધતાં રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સાયન્સ સિટી, સ્પોર્ટસ સંકુલ, પશ્ર્ચિમ વિભાગની મામલતદાર કચેરી, પ્રધાનમંત્રી આવાસ યોજના (સ્માર્ટ ઘર), પીપીપી આવાસ યોજના, ચંદ્રેશનગરમાં વોટર મીટર સપ્લાય ઝોન, ડી.આઇ.પાઇપલાઇન જેવા અનેકવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાપર્ણ કરી રાજકોટવાસીઓને સુવિધાઓની લ્હાણી કરી છે તે બદલ સૌરાષ્ટ્રના કચ્છનાં રઘુવંશી સમાજના યુવા અગ્રણી દિપકભાઇ મદલાણીએ આભારની લાગણી વ્યકત કરી છે.
રાજકોટ શહેર સ્માર્ટસિટી તરીકે પંસદ થયા પછી રાજયનાં મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસીઓને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની અનેકવિધ લોકોપયોગી સુવિધાઓ આપી છે. રાજકોટ શહેર વિવિધ વિકાસલક્ષી કાર્યોની હારમાળા દ્વારા સ્માર્ટ સિટી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને શહેરીજનોને એક પછી એક આધુનિક સુવિધાઓ મળી રહી છે. આ માટે રાજયનાં મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનો આભાર માની અભિનંદન પાઠવતાં વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગૃપના પ્રમુખ દિપક મદલાણીએ જણાવ્યું કે, રાજકોટ જ્યારે કુદકે ને ભુસકે વિકાસ કરી રહ્યું છે ત્યારે ન્યુ રાજકોટમાં સમાવિષ્ટ પશ્ર્ચિમ વિભાગનાં વિસ્તારના લોકોને સામાન્ય કામ માટે પણ જુની કલેક્ટર કચેરી સુધી લાંબુ થયું પડતું હતું. પશ્ર્ચિમ રાજકોટના રહેવાસીઓની સુવિધા માટે પશ્ર્ચિમ ઝોનમાં મામલતદાર કચેરી શરૂ કરવાનો નિર્ણય લઇને આ વિસ્તારનાં નાગરિકોની સમસ્યા હલ કરી દેવામાં આવી છે. તો, બીજી બાજુ રાજકોટમાં ગેસની જેમ પાણી પણ મીટર પદ્ધતિથી આપવા માટે વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.8, 11, અને 13માં ચંદ્રેશનગર ઝોન આધારિત વિસ્તારમાં 15 મી.મી.થી માંડી 500 મી.મી. વોટર સપ્લાય નેટવર્કનું આયોજન કરી જેટલું પાણી વાપરો એટલું બીલ ચુકવવાનું હોય રાજકોટવાસીઓને સારી સુવિધા પ્રાપ્ત થશે.
શહેરમાં અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ થવાથી બેફામ વેડફાટ થાય છે ત્યારે જિલ્લા ગાર્ડન આધાશ્રિત ડી.આઇ.પાઇપલાઇન નેટવર્ક શરૂ કરી વોર્ડ નં.7 તથા વોર્ડનં.14ના વિસ્તારના લોકોને આ સુવિધા આપી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણી બચાવોનો સંદેશો રાજકોટવાસીઓને આપ્યો છે તેમ દિપકભાઇ મદલાણીએ અંતમાં ઉમેર્યું છે.