પ્રમાણીત ભાડુ નકકી કરી આપવાની અરજી રદ કરતી સ્મોલ કોઝ કોર્ટ


રાજકોટ તા,17
શહેરમાં પ્રમીલા રોડ ઉપર આવેલી મિલ્કતમાંથી ભાડાવાળી દુકાન સંબંધે સંઘવી જમનાદાસ એન્ડ બ્રધર્સના નામની પેઢીના ભાગીદારો અશોકભાઈ ચંદુલાલ સંઘવી તથા લલીતભાઈ ચંદુલાલ સંઘવીએ મિલ્કત માલીક ધર્મેશભાઈ બટુકભાઈ ટારિયા સામે રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં વાદગ્રસ્ત જગ્યાનું પ્રમાણીત ભાડુ નકકી કરવા અંગેની અરજી દાખલ કરેલી. જે કેસ ચાલી જતાં મિલ્કત માલીક ધર્મેશભાઈ બટુકભાઈ ટારિયા દ્વારા એવી દલીલ કરેલી કે, કોર્ટના રેકર્ડ ઉપર આવેલા પુરાવો તેમજ જુબાની વગેરે ધ્યાને લઈએ તો તે હકીકત નિ:શંકપણે પુરવાર થાય છે કે, સંઘવી જમનાદાસ એન્ડ બ્રધર્સના નામની પેઢીના ભાગીદારોને ભાડાવાળી દુકાન ભાડે આપવામાં જ આવેલી ન હોય, આવી કોઈ અરજી કોર્ટ સમક્ષ કરવા ભાગીદારી પેઢીના ભાગીદારોને કોઈ હકક, અધિકાર નથી. તેમજ અરજી કાયદા વિરૂધ્ધ તેમજ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો વિરૂધ્ધની હોય ટકી શકે નહીં તેમજ હાલની અરજી કરનારાઓ જગ્યાના મુળ ભાડુઆત જ ન હોય હાલની અરજી ટકાવા પાત્ર નથી. મકાન માલીકની તમામ રજૂઆતો ધ્યાને લઈ અરજદારોની પ્રમાણીત ભાડુ નકકી કરી આપવાની અરજી નામંજુર કરી છે. આ કામમાં મકાન માલીક તરફે એડવોકેટ નિલશ પી.દક્ષિણી રોકાયા હતા.