રાજુલા ન.પા.માં પ્રમુખ સામે અવિશ્ર્વાસ દરખાસ્ત પસાર

પક્ષના વિહિપનો ઉલાળીયો કરી પોલીસ રક્ષણ સાથે સભ્યો પહોચ્યાં સામાન્યસભામાં

27માંથી 19 કોંગી સભ્યોનો બળવો; ધારાસભ્ય અંબરીશ ડેર અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રાજકીય ઝટકો
(તસવીર:મિલન રૂપારેલ)
અમરેલી,તા.17
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢ ગણાતી રાજુલા નગરપાલિકામાં વિપક્ષ દ્વારા મુકવામાં આવેલી અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. 28 સભ્યોવાળી ન.પા.માં આજે કોંગ્રેસના 19 સભ્યોએ વ્હીપનો ઉલાળીયો કરી પ્રમુખ સામે બગાવત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજુલા નગર પાલિકામાં 28માંથી 27 સભ્યો કોંગ્રેસના છે તેમાંથી 19 સભ્યો છેલ્લા 15 દિવસથી અજ્ઞાત સ્થળે હતાં. આજે સામાન્ય સભા પૂર્વે જ આ 15 સભ્યો પોલીસની સુરક્ષા સાથે પ્રગટ થયા હતા. તથા પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરી ધારાસભ્ય અંબરીશ ડેરને લપડાક આપી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકામાં તાજેતરમાં નગરપાલિકાની કુલ 28 બેઠકો માંથી 27 બેઠકો પર કોંગ્રેસના સદસ્યો ચૂંટાયા છે અને પાલિકાના પ્રમુખપદે મીનાબેન વાઘેલાને બિનહરીફ ચૂંટાયા હતા. આ પ્રમુખ મીનાબેન વાઘેલાને સામે છેલ્લાં 15 દિવસથી પાલિકાના 19 સદસ્યોએ બગાવત કરીને રાજુલા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકેલી હતી.
રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીત ધાખડાની આગેવાનીમાં 19 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ કોંગ્રેસના 19 તથા ભાજપનાં 1 મળી કુલ 20 સદસ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરને લપડાક કોંગ્રેસનાજ સદસ્યોએ આપી હતી.
આ અંગે બાગી સદસ્ય દીપેનભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગટરના કામમાં ભષ્ટાચાર કરતા હોવાને કારણે રાજુલા કોંગ્રેસના જ 19 સદસ્યોએ બગાવત કરીને શાસિત પાલિકા પ્રમુખને પછડાટ આપી દીધી હતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ કનાબારે કોંગ્રેસનો વહીપ 19 સદસ્યોને બજાવ્યો હોવા છતાં વહીપ નો અનાદર કર્યો હતો.
આજે રાજુલા નગર પાલિકાની બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના કામે 1 ડી.વાય.એસ.પી. તથા 2 પી.આઈ.અને 70 પોલીસ કર્મીઓનો કાફલો પાલિકાની અવિશ્વાસની દરખાસ્તમાં ગોઠવાયો હતો.