હાઉસિંગ બોર્ડ અને સ્લમના વધારાના બાંધકામો કાયદેસર કરી દેવાશે

રાજયના એક લાખ પરિવારોને સ્પર્શતા પ્રશ્ર્ને સરકારનો નિર્ણય

રહેણાંકમાં જંત્રી મુજબ અને કોમર્શિયલમાં જંત્રીના ડબલ પૈસા વસુલાશે
રાજકોટ,તા.17
ગુજરાતમાં સુચિત સોસાયટીઓ અને યુ.એલ.સી.ની જમીન પરના રહેણાંક બાંધકામો કાયદેસર કરવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય કરી હાઉસિંગ બોર્ડ અને સ્લમસેલનાં મકાન આવાસના બિલ્ટઅપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના ગેરકાયદે બાંધકામો શરતોને આધિન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજ્ય પ્રકારના ગેરકાયદે બાંધકામોને ખૂલ્લા પ્લોટની જંત્રીનાં ડબલ ભાવે વપરાશ ફી લઇ બાંધકામનો દસ્તાવેજ કરી દેવાની જાહેરાત કરી છે.
સરકારના આ નિર્ણયથી રાજયના લગભગ એકલાખ જેટલા પરિવારોને આવાસના માલિકી હક્ક મળશે તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં પણ વધારો થશે.
આજે મળેલી કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લીધા બાદ મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અને સ્લમ સેલ ના 1લાખ થી વધુ પરિવારો ને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય કર્યો છે.... મુખ્યમંત્રીશ્રી ના આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસ ના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અન અધિકૃત બાંધકામ ને શરતોને આધીન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજ્ય પ્રકારના અન અધિકૃત બાંધકામ ને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા (ડબલ) ભાવે વપરાશ ફી લઇ ને મૂળ બાંધકામનો દસ્તાવેજ રાજ્ય સરકાર કરી આપશે.... અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે 2014 થી પડતર રહેલા આ પ્રશ્ને મુખ્યમંત્રીશ્રી એ સમાજના બહોળા હિત માં કરેલા આ નિર્ણય ને પરિણામે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની આવક માં વૃદ્ધિ થતા નવા આયોજનો ને વેગ મળતો થશે.