રાજકોટ જમીન વિકાસ નિગમમાં એસીબીની ટીમની તપાસથી ફફડાટ

ગાંધીનગરમાં લાંચ લેતા પકડાયેલ અધિકારીઓ બાદ રેલો રાજકોટ સુધી પહોચ્યો મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરમાં પણ તપાસ: બે દિવસમાં રિપોર્ટ અપાશે
રાજકોટ તા.17
ગાંધીનગરની જમીન વિકાસ નિગમની કચેરીમાં કલાસ-1 અધિકારી સહિત ચાર કર્મચારીઓ રંગે હાથ લાંચ લેતા પકડાયા બાદ જમીન વિકાસ નિગમની કચેરીમાં લાંબા સમયથી ભ્રષ્ટાચાર ચાલતો હોવાની આશંકાના પગલે એસીબીની ટીમોએ રાજકોટ સહિત પાંચ જીલ્લામાં તપાસ હાથ ધરતા કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ટોચના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલી જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી છે. તળાવ ઉંડા કરવાના અભિયાનમાં બારોબાર કોન્ટ્રાકટ આપી કરોડો રૂપિયાનો કૌભાંડ થયું હોવાની ચોકાવનારી વિગતના પગલે એસીબીની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજ્યભરમાં ચકચાર જગાવનાર ગાંધીનગર જમીન વિકાસ નિગમની ઓફિસની એસીબી ટ્રેપનો રેલો હવે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ સુધી પહોંચ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં ખેત તલાવડા , સિમતાળાવ અને તળાવ બનાવાના કામ જમીન વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે આ કામોમાં ક્યાંક ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા તો ક્યાંક સરકારી ધોરણે કામો થતા રહ્યા છે આ પ્રકારના કામોમાં વગદાર કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાથી માત્ર કાગળ ઉપર તળાવ બતાવી લાખો રૂપિયાના બિલ સરકારી ચોપડે ઉધારી દેવામાં આવતા હોવાની ફરિયાદ અન્વયે લાંચ રૃશ્વર વિરોધી બ્યુરોની કચેરી દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં જમીન વિકાસ નિગમની કચેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
2010થી ક્યાં કામો થયા છે ક્યાં કોન્ટ્રાક્ટરો મારફતે કરવામાં આવ્યા છે અથવા સરકારી વાહનો દ્વારા જળસ્ત્રાવ વિસ્તાર વિકાસના જે કામો થયા છે તે સહિતનો તમામ રિપોર્ટ તૈયાર કરી બે દિવસમાં સુપ્રત કરવા આદેશ આપવામાં આવ્યા છે એસીબીની તપાસ અન્વયે જમીન વિકાસ નિગમના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. (તસવીર: પ્રવીણ સેદાણી)