ભાડાના મકાનમાં જીવ મુંઝાતો હોવાથી પટેલ યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ગઈકાલે પત્નીએ ખખડાવવા છતાં ઘર નહીં ખોલતા બહેનપણીના ઘરે જતા રહેલ
રાજકોટ તા,17
શહેરના મોરબી રોડ પર વાલ્મીકી સોસાયટીમાં રહેતા પટેલ યુવાને ભાડાના મકાનમાં જીવ મુંઝાતો હોવાથી ઝેરી દવા પી જીવન ટૂકાવી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર વાલ્મીકી સોસાયટી શેરી નં.2માં મુરલીધર સ્કૂલ વાળી શેરીમાં ભાડાના મકાનમાં રહેતા મહેન્દ્રભાઈ નરશીભાઈ લુણાગરિયા (ઉ.40) નામના પટેલ યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
મૃતક મહેન્દ્રભાઈના પત્ની મીનાબેન ગઈકાલે અમદાવાદ ગયા હતા જ્યાથી રાત્રે પરત આવ્યા ત્યારે પતિએ ઘરનો દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા ‘થાકી ગયા હશે’ તેમ સમજી મીનાબેન પેડક રોડ પર રહેતા તેના બહેનપણીના ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં આજે સવારે ઘરે આવ્યા ત્યારે અંદર જઈ જોતા પતી બેભાન પડેલ હોય અને બાજુમાં ઝેરી દવાની બોટલ પડી હોવાથી 108ને જાણ કરતા ઈએમટીએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકના વિજયગીરીએ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક મહેન્દ્રભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને ગોંડલ રોડ પર નેશનલ ટ્રેડર્સ નામે દુકાનના ડ્રાયફુટનો વેપાર કરે છે. તેઓ બે-ત્રણ દિવસથી ભાડાના મકાનમાં જીવ મુંઝાતો હોવાથી બીજે રહેવા જવાની પત્નીએ વાત કરતા જેથી જીવ મુંઝાતો હોવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.