ભગવા આતંક અંગે ભાજપના આક્ષેપો સામે કોંગ્રેસનો પલટવાર ‘અમે આવું બોલ્યા જ નથી...’

મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટતા ભાજપે કોંગ્રેસ સામે આરોપો લગાવ્યા હતા
નવીદિલ્હી તા,17
કોંગ્રેસે કહ્યું કે, ભગવા આતંકવાદ જેવું કંઈ નથી હોતું અને તેને પૂરો વિશ્ર્વાસ છે કે, આતંકવાદને કોઈ ધર્મ કે સમુદાય સાથે ન જોડી શકાય. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે, તેના નેતા રાહુલ ગાંધી કે પાર્ટીએ ક્યારેય ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ નથી કર્યો. ઉલ્લેખનીય છે કે, 2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલામાં જમણેરી સંગઠનના કાર્યકર્તા અસીમાનંદ અને અન્ય 4ને સોમવારે એક કોર્ટે મુક્ત કરી દાધા બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી દળએ ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરી હિંદુઓને અપમાનિત કર્યા હતા અને રાહુલ ગાંધીએ તેના માટે માફી માગવી જોઈએ. તે પછી કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે.
કોંગ્રેસ પ્રવક્તા પી એલ પુનિયાએ કહ્યું કે, આતકંવાદ એક ગુનાઈત માનસિકતા છે અને તેને કોઈ ધર્મ કે સમુદાય સાથે જોડી શકાય નહીં. તેમણે ભાજપના આરોપો વિશે પૂછવા પર કહ્યું કે, રાહુલ ગાંધી કે કોંગ્રેસે ક્યારેય ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો નથી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ માત્ર બકવાસ છે. ભગવા આતંકવાદ જેવું કંઈ કહેવાયું નથી. અમારો પૂરો વિશ્વાસ છે કે આતંકવાદને કોઈ ધર્મ કે સમુદાય કે જાતિ સાથે જોડી શકાય નહીં.   તે ગુનાઈત માનસિકતા છે, જેનાથી ગુનાઈત ગતિવિધી થાય છે અને તેને કોઈ ધર્મ કે સમુદાય સાથે ન જોડી શકાય.
પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે કોઈ ટિપ્પણી ન કરી. મુક્ત કરવાના ફેંસલા પર પુનિયાએ કહ્યું કે, તે પહેલા ફેંસલાનો અભ્યાસ કરશે અને પછી તેના પર વાત કરશે. તેમણે કહ્યું કે, જોકે, શરૂઆતના અહેવાલોમાં કહેવાયું છે કે પુરાવા નથી અપાયા અને કબુલાત કરતું સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો ગુમ છે. ફરિયાદી પક્ષની નિષ્ફળતા લાગે છે. ફેંસલો આવ્યા પછી વાત કરવી યોગ્ય રહેશે. જોકે, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે મામલામાં એનઆઈએની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતું.
ફેંસલા વિશે પૂછવા પર પૂર્વ કેન્દ્રિય ગૃહ મંત્રી અને કોંગ્રેસના નેતા શિવરાજ પાટિલે કહ્યું કે, ફેંસલો વાંચ્યા વિના કઈ રીતે તેને સાચો કે ખોટો કહી શકાય. ભગવા આતંકવાદને લઈને ભાજપના પ્રહારથી સંલગ્ન સવાલના જવાબમાં પાટિલે પલટવાર કરતા કહ્યું કે, શું મેં ક્યારેય તેનો પ્રયોગ કર્યો? આ આતંકવાદનો મામલો છે.