એક જમાનાના ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનનો મૃતદેહ કબરમાંથી ‘ગૂમ’ થયો..!

મૃતદેહ ગાયબ થવા અંગે અનેક અટકળો: કેટલાક માને છે હમશકલને ફાંસી અપાયેલી
બગદાદ તા.17
એક સમયે દુનિયાની મહાશક્તિ અમેરિકાના નાકમાં રીતસરનો દમ કરી નાખનારા અને ફાંસીની સજા પામી ચુકેલા ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનની કબર પણ હવે તુટેલી હાલતમાં છે. સદ્દામને તેમના પૌતૃક ગામ અલ-અવજામાં દફનાવવામાં આવ્યાં હતાં, પરંતુ હવે તેમના મૃતદેહના કોઈ જ અવશેષ ત્યાં રહ્યાં નથી.
એક એવી વ્યક્તિ જેને લગભગ 20 વર્ષ સુધી એક દેશ પર રાજ કર્યું, તેને 30 ડિસેમ્બર 2006માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. તત્કાલિક અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લૂ, બુશે પોતે જ સદ્દાન હુસૈનના મૃતદેહને અમેરિકી મીલિટરી હેલિકોપ્ટરથી બગદાદ માટે રવાના કર્યો હતો. સદ્દામના મૃતદેહને અલ-અવજા ગામમાં દફનાવવામાં આવ્યાં હતાં.
પરંતુ આજે સવાલ એ ઉભા થઈ રહ્યાં છે કે, આખરે સદ્દામ હુસૈનનો મૃતદેહ ગયો ક્યાં? શું સદ્દામનો મૃતદેહ અલ-અવજામાં જ છે કે પછી તેને ખોદીને બહાર કાઢવામાં આવ્યો છે. જો ખોદીને કાઢવામાં આવ્યો છે તે મૃતદેહ છે ક્યાં?
69 વર્ષના સદ્દામ હુસૈનને ફાંસી આપ્યા બાદ તેમને ભોર થયા પહેલા જ દફનાવી દેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આ જગ્યા એક તીર્થસ્થળમાં બદલાઈ ગઈ હતી. સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને સદ્દામના સમર્થકો દર વર્ષે 28 એપ્રિલે તેમના જન્મદિવસે અહીં એકત્ર થતાં હતાં. જોકે હવે આ સ્થળ પર આવવા માટે સ્પેશિયલ પરમિશન જરૂરી છે. સદ્દામના વંશ સાથે જોડાયેલા શેખ મનફ અલી અલ-નિદાનું કહેવું છે કે, સદ્દામની કબરને ખોદવામાં આવી અને મૃતદેહને બહાર કાઢીને સળગાવી દેવામાં આવ્યો. જોકે તેણે આમ થતું જોયું નથી. બીજી બાજુ સદ્દામની કબરની સુરક્ષા કરી રહેલા શિયા અર્ધસૈનિક દળોનું કહેવું છે કે, આતંકવાદી સંગઠ્ન આઇએસઆઇએસએ તેના લડાકુઓને અહીં તૈનાત કર્યા બાદ ઈરાક દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં કબર નષ્ટ થઈ ગઈ છે. સુરક્ષા દળોના પ્રમુખ જાફર અલ-ઘરાવીએ કહ્યું હતું કે, સદ્દામનો મૃતદેહ હજી પણ ત્યાં જ છે.
સદ્દામ માટે કામ કરી ચુકેલા એક યુવકે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, સદ્દામની નિર્વાસીત પુત્રી હાલા એક ખાનગી વિમાનમાં અવજાહ આવી અને પિતાના મૃતદેહને તેની સાથે જોર્ડન લઈ ગઈ.
આ મામલે સદ્દામના સમયે વિદ્યાર્થી અને હાલ પ્રોફેસર બની ચુકેલા એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, લગભગ હાલા ક્યારેય ઈરાક પાછી આવી જ નથી. સદ્દામના મૃતદેહને કોઈ ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યો છે. કોઈ જ નથી જાણતું કે મૃતદેહને કોણ અને ક્યાં લઈ ગયું.
જ્યારે બગદાદના રહેવાસી અબુ સમીરનું માનવું છે કે સદ્દામ હજી પણ જીવિત છે. સદ્દામ મર્યા નથી. જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી, તે તેના હમશકલમાંનો જ એક હતો.