‘કેશ લેસ’ ઈન્ડિયા: ATMના ડબલાં ડૂલ!

ગુજરાત, ઉ.પ્રદેશ, મ.પ્રદેશ, ઉતરાખંડ, બિહાર, ઝારખંડમાં એટીએમ સામે ‘નોટબંધી’ જેવી વરવી સ્થિતિ
અનેક શહેરોમાં એટીએમને તાળાં લાગી ગયા: લોકોના રોજિંદા વ્યવહાર ખોરવાતાં સ્થિતિ ગંભીર: ગ્રામ્ય પ્રદેશોમાં હાલત વધુ કફોડી
અમદાવાદ તા.17
દેશના મોટા ભાગના રાજ્યોમાં નોટબંધી જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં એટીએમ ખાલીખમ થઈ ગયા છે. તો આસામ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકમાં પણ લોકોને કેશ લેવાના ફાંફા પડી રહ્યા છે. તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લાના એટીએમમાં કેશની અછત ઉભી થઈ છે. લોકોને કેશ લેવા માટે એકથી બીજા, અને બીજાથી ત્રીજા એટીએમમાં ફરવું પડે છે. તો લગ્નનું કાર્ડ બતાવીને રૂપિયા ઉપાડવા પડી રહ્યા છે. એટીએમમાંથી રૂપિયા ન મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં એક તરફ પાણીથી તંગી હતી, તો લોકો હવે કેશ માટે પણ વલખા મારી રહ્યા છે તેવું કહી શકાય. પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના કેટલાય જિલ્લાઓમાં એટીએમને તાળા લગાવી દેવાયા છે. નાણાં ન મળતા આર્થિક વ્યવહારો ખોરવાયા છે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની છે.
નોટબંધી બાદ બેન્કોમાં રોકડની અછત સર્જાતાં લોકો પરેશાન થઈ ગયા છે. બે દિવસની રજા બાદ બેન્કો શરૃ થતાં લોકો બેન્કોમાં ઊમટી પડયા હતા પરંતુ, ત્યાં પણ નિરાશા હાથ લાગી હતી. મોટાભાગના એટીએમ બંધ રહેતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. જીવન જરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા લોકોને નિરાશ થઈને પાછું ફરવું પડયું હતું. ખાતાધારકોએ બેન્કમાં જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રોકડની અછતને લીધે માર્કેટ ઉપર અસર થઈ છે. રોકડિયા ધંધામાં અને આંગડિયામાં અત્યારે બાકીમાં વ્યવહારો થઈ રહ્યા છે.કેટલાંક આંગડિયા પેઢી મોટી રકમના હવાલા લેવાની ના પાડી રહ્યા છે. જ્યારે કેટલાંક આંગડિયામાં ટોકન આપવામાં આવી રહ્યા છે. જે ટોકનના નાણાં સાંજે અથવા બીજા દિવસે આપી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી બેન્કો,એટીએમ, કો.ઓપરેટિવ બેન્કો સહિતમાં રોકડ રકમ નહીં હોવાથી ખાતેદારો બૂમાબૂમ કરી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં એટીએમમાં રોકડ રકમ જ નથી. જયારે બેન્કમાં અમુક જ રકમ ખાતેદારને આપવામાં આવી રહી છે. બેન્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસમાં રોકડ રકમનો પ્રોબ્લેમ દૂર થઈ જશે અને ખાતેદારોએ ચિંતા કરવાની જરૂરી છે. બોક્ષ.
રોકડની તંગી બાબતે કેન્દ્ર સરકાર શું કહે છે ?
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ કેટલાંક રાજ્યોમાં ઉભી થયેલ રોકડની અછત અંગેનું કારણ જણાવ્યું કે અચાનક કેશની માંગ વધતા થયું છે. તેમણે કહ્યું કે દેશમાં જરૂરિયાત કરતાં વધુ નોટ સર્કુલેશનમાં છે અને બેન્કોમાં પણ પૂરતી નોટ ઉપલબ્ધ છે. નાણાં મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે સરકારે દેશમાં કરન્સીની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે.
બીજીબાજુ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શિવ પ્રસાદ શુક્લે કહ્યું કે જે રાજ્યોમાં રોકડની અછત છે ત્યાં બીજા રાજ્યોની મુકાબલે ઓછી નોટ પહોંચી છે. તેમણે કહ્યું કે સરકાર જરૂરિયાત પ્રમાણે રાજ્યોની વચ્ચે નોટોનું યોગ્ય વિતરણ કરવાની દિશામાં પગલાં ઉઠાવી રહી છે.
એક સમસ્યા છે કે કેટલાંક રાજ્યોની પાસે ઓછી કરન્સી છે જ્યારે બીજા રાજ્યોની પાસે વધુ. અમે ત્રણ દવિસમાં એ રાજ્યોમાં નોટ ટ્રાન્સફર કરી દઇશું જ્યાં હજુ મુશ્કેલી છે તેમ શિવ પ્રસાદ શુકલ, (કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી)એ જણાવ્યું હતું.
શુકલએ કહ્યું કે અત્યારે અમારી પાસે 1 લાખ 25 હજાર કરોડની રોકડ કરન્સી છે. એક સમસ્યા છે કે કેટલાંક રાજ્યોની પાસે ઓછી કરન્સી છે જ્યારે બીજા રાજ્યોની પાસે વધુ છે. સરકારે રાજ્ય સ્તર પર સમિતિની રચના કરી છે. ત્યાં આરબીઆઈએ પણ નોટોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે કમિટીની રચના કરી છે. નાણાં રાજ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરાવ્યો છે જે રાજ્યોમાં નોટોની તંગી છે ત્યાં ત્રણ દિવસમાં જ નવો જથ્થો પહોંચી જશે.
વાત એમ છેકે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ગયા સપ્તાહે કેટલીય જગ્યાએ રોકડની અછત સર્જાતા ઉહાપોહની સ્થિતિ પેદા થઇ હતી. ગુજરાતમાં પણ છેલ્લાં બે દિવસથી રોકડની અછત સર્જાઇ છે. લોકો સમજી રહ્યા છે કે આખરે નવી નોટ ગઇ તો કયા ગઇ? પ્રશ્નો થઇ રહ્યા છે કે શું હજુ પણ કાળાનાણાંનો વેપાર ચાલી રહ્યો છે કે રિઝર્વ બેન્કે જ નોટોની સપ્લાય ઘટાડી દીધી છે.