દ્વારકા જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમનના ભંગ બદલ સજા

જામ ખંભાળિયા, તા.17
હાલમાં વિશ્વના કેટલાક દેશોમાં તમાકુ અને તેની બનાવટોનું સેવન વધી રહયુ છે જેનો વ્યાપ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજયમાં વધુ જોવા મળી રહયો છે. આના સેવનના કારણે તમાકુથી થતા રોગોનું દિન પ્રતિદિન પ્રમાણ વધતુ જાય છે. જેમાં મુખ્યત્વે કેન્સર, વંધત્વનું પ્રમાણ અને અન્ય જીવલેણ રોગોનો વ્યાપ વધી રહયો છે. આ બાબતને ધ્યાને લઇ લોકોના આરોગ્ય જાળવણી માટે ભારત સરકારે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગામ શરૂ કરેલ છે. જે વર્ષ2015 થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનો અમલ શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યત્વે બાળકો અને યુવક વર્ગ તમાકુના વ્યસનથી દુર રહે તે માટે જનસમુદાયમાં જનજાગુતિ માટે વિવિધ કામગીરી કરવાની થતી હોય છે. જેમાંથી દેવભૂમિ દ્વારકાની શાળા, કોલેજો, આઇ.ટી.આઇ, નર્સીગ કોલેજોમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જાગુતિ માટે કાર્યક્રમો કરવામાં આવેલ છે જેમાં બાળકોને તમાકુથી અથવા તમાકુની બનાવટોથી થતા રોગો વિશે ઓડીયો અને વિડીયો ફિલ્મશો દ્વારા નિર્દેશન કરવામાં આવેલ. બાળકો દ્વારા જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરી પ્રોત્સાહન રૂપે ઇનામો આપી અને આ રોગની ખામીઓ અંગે વાર્તાલાપ કરવામાં આવેલ. તમાકુ દુષણને કાયદાની લડત આપવા માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 બનાવવામાં આવેલ છે. આ અધિનિયમને ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ કાયદાનો ભંગ કરનાર જાહેરમાં ધુમ્રપાન કરનાર તેમજ શાળા અને કોલેજોની આજુ-બાજુના 100 વારની ત્રિજયામાં તમાકુનું વેંચાણ કરતા ઇસમો પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી રૂ.18200/- જેવો માતબર દંડ વસુલ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ,2003ના ભંગ બદલની સજાઓ કલમ-4 મુજબ જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવા બદલ રૂ.200/- સુધીનો દંડ, કલમ-5માં સીગરેટ, તમાકુ અને અન્ય બનાવટોની જાહેરાતો આપવા પર રૂ.1000/- થી રૂ.5000/- સુધીનો દંડ તેમજ 5 વર્ષની જેલની સજા, કલમ-6 જો 18 વર્ષથી ઓછી વર્ષની વ્યક્તિ કે શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજયામાં સીગરેટ કે તમાકુ વેંચાણ માટે રૂ.200/- સુધીનો દંડ, કલમ-7,8,9 નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના ઉન્પાદન (5000 થી 10000) અને સીગરેટના છુટક વેચાણ (1000 થી 3000) સુધીનો દંડ તેમજ 5 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો છે. આ જોગવાઇઓ અને અધિનિયમનો ચુસ્તપણે અમલ કરવા દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવે છે.