જામનગર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ


31 જુલાઈ સુધી પાણી મળી રહેશે
જામનગર તા,17
જામનગર જિલ્લામાં પીવાનું પાણી મળી રહે અને કાળઝાળ ઉનાળાના સમયમાં લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે ગઈકાલે જામનગર જિલ્લાની પાણી સમિતિની બેઠક મળી હતી. જેમાં જામનગર જિલ્લાના 6 તાલુકાના કુલ 431 ગામોમાં 31 જુલાઈ સુધી પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જિલ્લાના તમામ પાણીના સ્ત્રોત અંગેની સમિક્ષા કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાના સમયગાળા દરમિયાન પાણીની તંગી ન વર્તાય અને જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી જિલ્લાના તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે દર સોમવારે પાણી સમિતિની બેઠક યોજાય છે જેના ભાગરૂપે ગઈકાલે સોમવારે જામનગરના મ્યુનિ કમિશનર તેમજ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર બી બારડના અધ્યક્ષ સ્થાને પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના 6 તાલુકાઓના કુલ 431 ગામો માટે પીવાના પાણીની વ્યવસ્થા માટેની સમિક્ષા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં પીવાના પાણી માટે રસોઈ ડેમ, ઉંડ - 1 ડેમ, આજી - 3 ડેમ અને રણજીત સાગર ડેમ અને નર્મદા પાઈપલાઈનમાંથી પાણી મેળવવામાં આવે છે જેમાં નર્મદા પાઈપ લાઈનમાંથી 243 ગામોને પાણી અપાય છે ડેમો આધારીતે જુથ યોજનામાં 30 ગામો તેમજ સ્વતંત્ર યોજનામાંથી 155 ગામોને અને 3 ગામો તેમજ 11 પરાવિસ્તારને ટેન્કરો મારફતે પાણીનું વિતરણ કરવામાં આવે છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રતિદિન 62 એમએલડી પાણીની જરૂરિયાત રહેલ છે. તેને લઈને નર્મદા પાઈપ લાઈનમાંથી 5્રતિદિન 41 એમએલડી તેમજ સ્થાનિક ડેમમાંથી 83 એમએલડી પાણી મેળવવામાં આવે છે અને કુલ 115.50 એમએલડી પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરાયુ છે.
જામનગર જિલ્લામાં ઉનાળાના દિવસો દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થાને પહોંચી વળવા માટે 49 ગામો તેમજ 25 પરા વિસ્તાર માટે પ્લાન બનાવાયો છે જેમાં 36 ગામોમાં બોરની વ્યવસ્થા કરાઇ છે. તેમજ 25 ગામ અને 28 પરાવિસ્તારમાં ટેન્કર વડે પાણી પુરૂ પાડવાનું આયોજન હાથ ધરાયું છે સાથોસાથ નર્મદા પાઇપ લાઇન અને સ્થાનિક આઉટ સોર્સમાંથી હાલમાં પુરતુ પાણી અપાઇ રહ્યું છે. આગામી 31 જુલાઇ સુધી પાણી પુરવઠો મળી રહે તેવી સમિક્ષા કરાઇ છે.
જોડિયામાં પાણીના વેડફાટ સામે લોકોનો રોષ
જામનગર જિલ્લાના જોડિયામાં પીવાના પાણી માટે જળસંકટ તોળાઈ રહ્યુ છે ગ્રામ પંચાયત દ્વારા સપ્તાહમાં માંડ એકાદ વખત પાણી વિતરણ કરાય છે જેમાં પણ એક શેરીમાં પાઈપ લાઈનમાં ભંગાણ હોવાના કારણે પાણીનો વેડફાટ થઈ જાય છે. સ્થાનિક તંત્રની ઉદાસિન નીતિના કારણે જોડિયાની પ્રજામાં રોષ ફેલાયો છે.
ગ્રામ પંચાયત દ્વારા પાણીનું વિતરણ કરાય છે જે પાણીના સપ્લાય દરમિયાન એક શેરીમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાઈ ગયો હતો. આગામી દિવસો જોડિયા માટે ભરે કટોદકટીના છે ત્યારે આવા પાણીના વેડફાટ સામે તંત્રએ જાગૃત બનવાની તાતી જરૂરિયાત છે.