પાલિકા-મહાપાલિકાઓને 2281 કરોડની ગ્રાન્ટ

ત્રણ માસનો હિસાબ રજુ કરતા મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરી

તળાવ બ્યુટીફિકેશન, સ્પોર્ટસ સંકુલ, તાપી રિવરફ્રન્ટ, યોગા કેન્દ્ર સહિતના કામો થશે
રાજકોટ તા,17
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્યની 162 નગરપાલિકા તથા 8 મહાનગરપાલિકામાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી છેલ્લા ત્રણ માસમાં એટલે કે તા.1/1/18થી લઈ 31/3/18 સુધીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂા.2281.12 કરોડની ગ્રાન્ટની મંજુરી અને ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂા.317.87 કરોડ તથા નગરપાલિકાઓને રૂા.118.52 કરોડની રકમ મંજુર કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે.
તેમજ રાજ્યની આઠ નગરપાલિકાઓને આગવી ઓળખના કામ માટે 11.1448 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, જેમાં વાપી નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનના કામ માટે રૂા.2.50 કરોડ, સાવલી નગરપાલિકાને રંગાઈ કાંસનું નવીનીકરણ કામ માટે રૂા.0.50 કરોડ, બારેજા નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનની કામ માટે રૂા.1.00 કરોડ, નડિયાદ નગરપાલિકાને સ્પોર્ટસ કોમ્પલેક્ષના કામ માટે 2.00 કરોડ, માંડવી નગરપાલિકાને તાપી રીવરફ્રન્ટના કામ માટે રૂા.1.00 કરોડ, બોરીઆવી નગરપાલિકાને તળાવ બ્યુટીફિકેશનના કામ માટે રૂા.0,8800 કરોડ, ચાણસ્મા નગરપાલિકાને તળાવ બ્યુટીફિકેશનના કામ માટે 0.2788 કરોડ, ઉના નગરપાલિકાને યોગા કમ જીમ કેન્દ્રના કામ માટે રૂા.0.9860 કરોડ, ખંભાત નગરપાલિકાને તળાવ બ્યુટીફિકેશનના કામ માટે રૂા.2.00 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તેમજ 14માં નાણાપંચની યોજના અંતર્ગત બેઝીક ઘટક હેઠળ મહાનગરપાલિકાઓને 154.43 કરોડની ગ્રાન્ટ અને નગરપાલિકાઓને 337.45 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. મનોરંજન કર યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓને 24.29 કરોડ તથા નગરપાલિકાઓને 58.52 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓને 39.07 કરોડ તથા નગરપાલિકાઓને 52.52 કરોડ ફાળવવામાં આવેલ છે. તેમજ શીક્ષણ ઉપકર ગ્રાન્ટ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને 223.60 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તેમજ ઓકટ્રોય વળતર અંતર્ગત મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને 954.85 કરોડની ગ્રાન્ટ ચુકવવામાં આવેલ છે.
આમ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસમાં 2281.12 કરોડની ગ્રાન્ટ નગરપાલિકા તથા મહાનગરપાલિકઓના વિકાસ માટે ફાળવવામાં આવેલ છે.
અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ મળે અને અંત્યોદયની ભાવના સાકર થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ભાજપ સરકાર એટલે એવી સરકાર - વ્યવસ્થા તંત્ર કે જે નાગરિકોના સુખ-દુ:ખની ચિંતા કરે છે, નાગરિકોની સમસ્યા, સંવેદનશીલતાથી હલ કરે છે, જન્કલ્યાણના હેતુથી કાર્ય - યોજનાઓ ઘડે છે અને અમલમાં મુકે છે અને છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડે છે ત્યારે લોકોની સુખાકારી જળવાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શક સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર સતત કાર્યરત છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.