આતંકવાદનો કોઈ ધર્મ હોય કે ના હોય, ‘પક્ષ’ જરૂર હોય છે ! । તંત્રી લેખ


ભારતમાં દરેક મુદ્દામાં રાજકારણ ઘૂસી ગયું છે ને આતંકવાદ જેવો સંવેદનશીલ મુદ્દો પણ તેનાથી પર નથી તેનો વધુ એક પુરાવો સોમવારે મળ્યો. સોમવારે હૈદરાબાદની એક કોર્ટે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત પાંચ લોકોને નિર્દોષ છોડી મૂક્યા. મક્કા મસ્જિદ બ્લાસ્ટ 2007માં થયેલો ને તેમાં 9 લોકોના મોત થયેલાં. મક્કા મસ્જિદ ઐતિહાસિક છે ને શુક્રવારની જુમ્માની નમાઝ પઢ્યા પછી મુસ્લિમો બહાર આવતા હતા ત્યારે આ બ્લાસ્ટ થયેલો. બ્લાસ્ટ બહુ શક્તિશાળી નહોતો તેથી મૃત્યુઆંક મોટો નહોતો પણ પચાસ કરતાં વધારે લોકો ઘાયલ થયેલાં. આ કેસમાં 2010માં સ્વામી અસીમાનંદને રાજસ્થાન એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે ઉઠાવીને અંદર કરી દીધેલા. એ વખતે તેમની સામે મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ સિવાય અજમેર શરીફ દરગાહ અને સમઝૌતા એક્સ્પ્રેસમાં થયેલા બોમ્બધડાકાના આરોપ પણ મુકાયેલા.
આ ત્રણેય કેસની તપાસ પહેલાં સીબીઆઈ કરતી હતી ને પછી આતંકવાદ સામે લડવા બનાવાયેલી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ) કરતી હતી. એનઆઈએએ જ સ્વામી અસીમાનંદ સામે આતંકવાદી હુમલાનું કાવતરૂં ઘડવાના આરોપ મૂકેલા ને તેમને જેલમાં ઠૂંસી દીધેલા. સ્વામી સાત વરસથી જેલની હવા ખાતા હતા ને તેમની તબિયત ઢીલપોચી ચાલતી હતી એ જોતાં બહારની દુનિયા જોઈ શકશે કે કેમ તેમાં પણ શંકા હતી. હવે અચાનક જ સ્વામી નિર્દોષ જાહેર થઈ ગયા છે ને કોર્ટે તેમને બાઈજ્જત કરીને કહી દીધું છે કે, સ્વામી સામે આતંકવાદની ઘટનામાં સંડોવણી સાબિત કરે તેવા કોઈ પુરાવા જ એનઆઈએ પાસે નથી.
સ્વામી અસીમાનંદ માટે આ આખી ઘટના એન્ટિ ક્લાઈમેક્સ જેવી છે. અત્યાર લગી તેમના માથે સરકારી એજન્સીઓએ લગાવેલું આતંકવાદીનું લેબલ લાગેલું હતું ને હવે તેમના પરથી કમ સે કમ એક મામલામાં તો એ લેબલ હટી ગયું છે. સ્વામી માટે આ વાત હરખાવા જેવી છે પણ સ્વામી નિર્દોષ છૂટ્યા તેના કારણે એ સવાલ ફરી આવીને ઊભો જ રહી ગયો છે કે, આ મામલામાં અત્યાર લગી કહેવાતું હતું એમ અસીમાનંદ આતંકવાદી છે કે પછી નિર્દોષ હોવા છતાં રાજકીય કારણોસર તેમને જેલમાં ઠૂંસી રખાયેલા ? આ સવાલ પહેલાં કર્નલ શ્રીકાંત પુરોહિતના કેસમાં પણ ઊભો થયેલો ને સાધ્વી પ્રજ્ઞાના કેસમાં પણ ઊભો થયેલો. બલકે હિંદુ ટેરરના નામે ચગાવાયેલા બધા કેસોના ચુકાદા આવ્યા પછી દરેક વાર આ સવાલ ઊભો થાય જ છે. સીબીઆઈ તો જેની સત્તા હોય તેનાં તળવાં ચાટવા માટે પંકાયેલી જ છે તેથી તેની પાસેથી તો નિષ્પક્ષતાની અપેક્ષા આપણે રાખતા જ નથી પણ આ ચુકાદા પછી એનઆઈએ પણ શંકાના દાયરામાં છે. એનઆઈએ જ્યારે રચાયેલી ત્યારે એવી વાતો થતી હતી કે, આતંકવાદના મામલે નિષ્પક્ષ તપાસ થાય ને કોઈ પણ પ્રકારના અવરોધ વિના લડી શકાય એ માટે આ નવી એજન્સી બનાવાઈ છે. આ ચુકાદા પછી સવાલ એ થાય કે, એનઆઈએ નિષ્પક્ષ છે ખરી ? કે પછી એ પણ રાજકીય આકાઓનાં તળવાં ચાટનારા ચાપલૂસોથી ભરેલી છે?
બહુ રસપ્રદ વાત પાછી એ છે કે મક્કા મસ્જિદ કેસમાં સ્વામી અસીમાનંદ આણિ મંડળી તો બહુ પછી પિક્ચરમાં આવી. એ પહેલાં તો આ બ્લાસ્ટ હરકત ઉલ જિહાદ નામના આતંકવાદી સંગઠને કરાવેલા એવું હઈસો હઈસો ચાલેલું. એ વખતે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી ને આંધ્ર પ્રદેશની પોલીસે 100 મુસ્લિમ યુવકોને પકડીને અંદર પણ કરી નાંખેલા. પછી બહુ હોહા થઈ એટલે ગમે તે કારણોસર એ યુવકોને છોડી મુકાયા ને હૈદરાબાદ પોલીસને ખસેડીને સીબીઆઈને તપાસ સોંપાઈ. સીબીઆઈએ આવતાં વેંત સપાટો બોલાવ્યો ને દોષનો ટોપલો હિંદુવાદીઓ પર ઢોળી દીધેલો.
સીબીઆઈ દ્વારા એવો ધડાકો કરાયેલો કે આ બોમ્બધડાકા હિન્દુવાદી સંગઠનોએ કરાવેલા. એટીએસના દાવા પ્રમાણે હિન્દુ જાગરણ મંચ અને અભિનવ ભારત નામનાં બે સંગઠનોએ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલા બોમ્બધડાકાનો બદલો લેવા આ ધડાકા કરાવેલા. મક્કા મસ્જિદ જ નહીં પણ રાજસ્થાનના અજમેરમાં થયેલા બોમ્બબ્લાસ્ટ ને સમઝૌતા એક્સ્પ્રેસના બ્લાસ્ટ માટે પણ આ સંગઠનોને જવાબદાર ગણીને સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત વગેરેને અંદર કરી દેવાયેલાં. અજમેર શરીફનો બ્લાસ્ટ પણ 2007માં થયેલો ને 2010ના એપ્રિલમાં આ મામલે દેવેન્દ્ર ગુપ્તાને રાજસ્થાન એટીએસે ઉઠાવ્યો પછી તેણે વટાણા વેર્યા તેમાં આ બધા નામ ખૂલ્યાં એવો દાવો સીબીઆઈએ કરેલો. ગુપ્તાએ સ્વામી અસીમાનંદ ને સુનિલ જોશીનાં નામ પણ આપેલાં. રાજસ્થાન એટીએસ એ વખતથી જ સ્વામીની પાછળ લાગી ગયેલી ને છેવટે નવેમ્બરમાં હરિદ્વારના એક આશ્રમમાંથી તેમને ઉઠાવી લેવાયેલા. એ પછી તેમને ત્રણ કેસમાં ફિટ કરી દેવાયેલા ને તેમાંથી હજુ સમઝૌતા એક્સ્પ્રેસનો કેસ તો ઊભો જ છે.
અસીમાનંદ નિર્દોષ છૂટ્યા તેના કારણે એ શંકા દૃઢ બની છે કે હિંદુઓ પણ આતંકવાદી છે તેવું લેબલ મારવા માટે આ આખો ખેલ કરાયેલો ને સ્વામી અસીમાનંદ સહિતના લોકોને બલિના બકરો બનાવાયેલા. આપણે ત્યાં આતંકવાદની ઘટના બને એટલે તેમાં પાકિસ્તાનનાં પીઠ્ઠુ આતંકવાદી સંગઠનો સામેલ હોય એવું પાકું જ હોય ને જે પણ પકડાય એ મોટા ભાગે તો મુસ્લિમો જ હોય. માલેગાંવ કેસમાં એ પરંપરા તૂટી ને હિન્દુઓની ધરપકડ કરાઈ પછી દંભી સેક્યુલર જમાત ગેલમાં આવીને ભાંગડા કરવા લાગેલી. તેમણે દેકારો મચાવી દીધો ને હિન્દુ ટેરર એવો નવો શબ્દ રમતો મૂકીને હિન્દુવાદીઓની મેથી મારવાનો કાર્યક્રમ પુરજોશમાં ચાલુ કરી દીધેલો. એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ને મહારાષ્ટ્રમાં પણ એનસીપી-કોંગ્રેસની સરકાર હતી તેથી જે લોકોને જેલમાં ધકેલાયેલા એ બધાંને બરાબરનો બૂચ વાગી ગયેલો. તેમની સામે એવી એવી કલમો લગાડાયેલી કે એ લોકોની બાકીની જીંદગી જેલમાં જ જશે એવું લાગતું હતું.
મહારાષ્ટ્રની એટીએસ એ વખતે રોજ સવાર પડે ને નવા નવા ફણગા ફોડતી ને હિન્દુવાદીઓ પણ આતંકવાદ ફેલાવી શકે છે તે સાબિત કરવા મથ્યા કરતી. આ હિન્દુવાદીઓ સામે મકોકા સહિતના કાયદા હેઠળ કેસ ઠોકી દેવાયેલા. મકોકા હેઠળ કેસ ઠોકી દેવાય એટલે જેલમાંથી બહાર આવવાના રસ્તા જ બંધ થઈ જતા હોય છે કેમ કે પોલીસ જે પણ પુરાવા રજૂ કરે એ માન્ય રખાતા હોય છે. પોલીસ મારઝૂડ કરીને આરોપીઓ પાસે નિવેદનો લખાવી લે એ પણ પુરાવા ગણાતા હોય છે તેથી અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત ને બીજાં લોકો બહાર આવશે જ નહીં એવું નક્કી જ થઈ ગયેલું. હવે બધું અવળું થઈ ગયું છે ત્યારે હિંદુ ટેરરની વાતો કરનારા ચૂપ છે ને લોકોને સત્ય ખબર નથી. આ સત્ય કદી બહાર આવશે કે નહીં એ પણ ખબર નથી પણ આતંકવાદના મામલે રાજકારણ રમાયું છે એ નક્કી છે.