આવતીકાલે ભાવેણાનો સ્થાપના દિવસ : ઉજવણીનો ધમધમાટ

ચાર દિવસીય ગંગાજળિયા કાર્નિવલને મન ભરીને માણતી ગોહિલવાડની પ્રજા શહેરમાં રોશનીનો ઝગમગાટ અને કૈલાસ વાટીકામાં ગીત-સંગીત નૃત્યનો કાર્યક્રમ માણવા ઉમટતા લોકો આવતીકાલે અખાત્રીજે ભાવનગરનાં સ્થાપના દિને અનેકવિધ કાર્યક્રમો સાથે નામાંકિત કલાકારોનો લોકડાયરો પણ યોજાશે ભાવનગર તા.17
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજીત શરૂ કરાયેલા ચાર દિવસનાં કાર્યક્રમમાં આજે ત્રીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. કૈલાસ વાટીકામાં ગીત-સંગીત, વેસ્ટર્ન ડાન્સનાં ઝાકમઝોળ કાર્યક્રમને ભાવેણાવાસીઓએ મનભરી
માણ્યો હતો.
ભાવનગરનાં ર96 માં જન્મદિવસથી ઉજવણીનો રવિવારથી પ્રારંભ થયો છે. ચાર દિવસ ચાલનારા આ ઉત્સવને લઇને શહેરના અનેક ઐતિહાસિક સ્થાપત્યો-સર્કલોને સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે તથા ઉત્સવ માટેનું મુખ્ય સ્થાન ગૌરીશંકર સરોવર બોરતળાવની પસંદગી કરવામાં આવી છે. કૈલાસવાટીકા ખાતે મેયર નીમુબેન બાંભણીયા, ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ડો.ગીરીશભાઇ વાઘાણી સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવેણાનાં નામી-અનામી કલાકારોએ ગીતસંગીત, વેસ્ટર્ન ડાન્સ, લાઇટીંગ શો સહિતનાં આકષર્ણોથી ભાવેણાવાસીઓ અભિભૂત થયા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમો માણ્યા હતા.
તા.18 એપ્રિલે બુધવારે અખાત્રીજ એટલે ભાવનગરનો જન્મદિવસ ભાવેણા ભાવોત્સવ ર018 ઉજવાશે. રાત્રે ડાયરામાં કીર્તિદાન ગઢવી સહિતનાં નામી કલાકારો ભાવનગરવાસીઓને જલસો કરાવશે. ભાવનગરનું નામ રોશન કરનારાઓનો સન્માન સમારોહ યોજાશે. ભાવેણાના જન્મદિને કેક કટીંગ, કેન્ડલ લાઇટીંગ સહિતનાં રંગારંગ કાર્યક્રમો યોજાયા છે. ભાવનગરનાં ર96 માં જન્મદિવસ નિમિત્તે બોરતળાવ કૈલાસવાટીકા ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં ભાવનગર વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. (તસ્વીર : વિપુલ હિરાણી)