મ્યુઝિયમ । દૂરબીન

આંધળાને કશું દેખાતું નથી.
આંખ હોવા છતાં જેણે આંખ બંધ જ રાખી દીધી છે કે
આંખ પર જેણે પાટા બાંધી દીધા છે
એનેય કશું દેખાતું નથી.
આંખ ખુલ્લી હોવા છતાં જે અંધારા ઓરડામાં ઊભો છે એનેય કશું દેખાતું નથી
પણ આંખ ખુલ્લી હોવા છતાં અને પ્રકાશની
હાજરી હોવા છતાં વ્યક્તિને ખૂબ દૂરનું દેખાતું નથી,
આંખની મર્યાદાના કારણે!
પણ સબૂર!
વ્યક્તિ જો આંખની આગળ દૂરબીનને ગોઠવી દે છે
તો ખૂબ દૂર રહેલ વસ્તુ કે વ્યક્તિ એને વ્યવસ્થિત તો દેખાય જ છે પણ
એકદમ નજીક હોય એવું એને લાગવા માંડે છે.
દૂરબીન મને અને તેમને કડક શબ્દોમાં
આ વાત કરવા માગે છે કે
‘દોસ્ત, તારી પાસે જે દ્રષ્ટિ છે એ
ટુંકી તો છે જ પણ છીછરી
અને મલિન પણ છે.
તું જો આ જગતના સ્વરૂપને
વ્યવસ્થિત નિહાળવા માગે છે તો
પ્રભુના વચનોને આંખ સામે રાખ્યા વિના
તારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી.’ - આચાર્ય વિજયરત્ન સુંદર  સૂરિશ્ર્વરજી મ.સા.