44 જિલ્લામાંથી નકસલવાદના સફાયાનો ગૃહમંત્રાલયનો દાવો

નવીદિલ્હી તા,17
દેશમાં નક્સલવાદી પ્રવૃત્તિમાં ઓટ આવવા સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલયના એક અહેવાલ મુજબ નક્સલ પ્રભાવિત દેશના 126 જિલ્લા પૈકી સરકારે 44 જિલ્લાઓને નક્સલમુક્ત જાહેર કર્યા છે. દેશમાં હવે માત્ર 82 જિલ્લા જ નક્સલ પ્રભાવિત છે. ગૃહ મંત્રાલયના અહેવાલને માનવામાં આવે તો નવા આઠ જિલ્લા નક્સલ પ્રભાવિત જાહેર પણ થયા છે. સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યા 35 થી ઘટીને 30 થઈ છે. જે 44 જિલ્લાને નક્સલવાદ પ્રભાવથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે તેમાં આંધ્રના 3 (પ્રકાશમ, કર્નુલ અને અનંતપુર) , છત્તીસગઠના 3 જિલ્લા ( સરગુજા, કુરિયા અને જસપુર), દેવધરના બે જિલ્લા (દેવધર અને પાકુડ) નો સમાવેશ થાય છે. આ 44 જિલ્લા પૈકી તેલંગણાના સૌથી વધુ 19 જિલ્લાને નક્સલવાદ પ્રભાવિત જિલ્લામાંથી બાકાત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે જણાવ્યા મુજબ નક્સલી હિંસાના વિસ્તારમાં વીતેલા ચાર વર્ષમાં નાટયાત્મક ધોરણે ઘટાડો નોંધાયો છે. તેનો ઉપાય બહુમુખી વ્યૂહોને આભારી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ 44 જિલ્લામાં નક્સલી છે જ નહીં કે પછી તેમની ઉપસ્થિતિ ના બરોબર છે. નક્સલવાદી પ્રવૃત્તિ હાલમાં તે 30 જિલ્લા સુધી સીમિત રહી ગઈ છે કે જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે. ગૃહમંત્રાલયે જણાવ્યા મુજબ હિંસા પ્રતિ ઝીરો ટોલરન્સ અને વિકાસ સંબંધી હિલચાલને વેગ આપીને નક્સલવાદને અંકુશમાં લેવામાં મદદ મળી છે.