સીજેઆઈ સામે મહાભિયોગની દરખાસ્ત કેમ ના આવી?

કોંગ્રેસે દરખાસ્ત અભેરાઈએ ચડાવી દેવી પડી કારણ કે...
નવીદિલ્હી તા,17
સંસદનાં બજેટસત્રના અંતિમ દિવસોમાં દિલ્હીનાં રાજકીય વર્તુળો અને ખાસ કરીને વિરોધપક્ષની છાવણીમાં તે વાતે ચર્ચાએ જોર પકડયું હતું કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ દરખાસ્ત લાવવામાં આવે, પરંતુ સંસદનાં બંને ગૃહોમાં ગતિરોધ ચાલુ રહેતાં 6 એપ્રિલના રોજ સંસદનાં બંને ગૃહોની બેઠક અનિશ્ચિતકાળ માટે સ્થગિત રાખવામાં આવી, પરંતુ તે સવાલ ઘુમરાતો રહ્યો કે રાજ્યસભાના 60 સભ્યોેએ જે દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા તે દરખાસ્તનું શું થયું, કહેવાય છે કે ગાંધી પરિવારથી ખૂબ જ નજીકના નેતા ડો. મનમોહનસિંહે આ દરખાસ્ત પર હસ્તાક્ષર કરવા ઇનકાર કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે આ બાબત પક્ષના સિદ્ધાંતોથી પર છે, તેમના વિરોધ પછી કોંગ્રેસે આ દરખાસ્તને અભરાઈએ ચડાવી દીધી છે. એવી ચર્ચા છે કે પક્ષના વરિષ્ઠ નેતાએ મનમોહનસિંહનો સંપર્ક કર્યો ત્યારે ડો. મનમોહનસિંહે વ્યક્તિગતરૂપે દરખાસ્ત પર હસ્તાક્ષર કરવા ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અન્ય લોકશાહી સંસ્થા પર પ્રહાર કરવા કે તેની ગરિમાને ઠેસ પહોંચાડવી તે કોંગ્રેસની પરંપરા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાભિયોગ દરખાસ્તનો અન્ય પક્ષો લાભ ના લઈ લે તેની પણ તકેદારી રાખવાની જરૂર છે, તે પછી કોંગ્રેસે તરત નિર્ણય લીધો હતો કે અભિયાન રોકી દેવામાં આવે, કેમ કે દરખાસ્ત પર ડો. મનમોહનસિંહના હસ્તાક્ષર ના હોવાની વાત ભાજપ સુધી પહોંચશે તો તેનો અલગ અર્થ કાઢીને રાજકીય પ્રપંચ કરશે. ઉલ્લેખનીય છે કે ડો. મનમોહનસિંહ ઉપરાંત ચિદમ્બરમ્ અને અભિષેક મનુ સિંઘવી દ્વારા પણ વ્યક્તિગત રીતે ઝુંબેશનો વિરોધ થયો હતો.