આરબીઆઇએ વિદેશમાં નાણા મોકલવાના નિયમો બદલાવ્યા


મુંબઇ,તા.17
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યક્તિગત ધોરણે વાર્ષિક 2.50 લાખ ડોલર વિદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતી લિબરલાઈઝડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ)ના રિપોર્ટીંગના નિયમો કડક બનાવ્યા છે. વિદેશમાં નાણાં મોકલનાર વ્યક્તિ દ્વારા કરાયેલા એકરારના આધારે બેન્ક એલઆરએસ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે.
આ મામલે રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલી એક અધિસૂચનામાં જણાવ્યા અનુસાર નિરિક્ષણમાં સુધારો કરવા તથા એલઆરએસની મર્યાદાનું પાલન યોગ્ય રીતે થાય તે બાબતને સુનિશ્ચિત કરવા માટે જે બેન્કમાંથી વ્યક્તિએ એલઆરએસ હેઠળ આ પ્રકારના વ્યવહાર કર્યા હોય તે બેન્કે રિઝર્વ બેન્કને દૈનિક રિપોર્ટ આપવાનો રહેશે.
હવે બેન્કોએ એલઆરએસ હેઠળ તેમના દ્વારા કરાયેલા વ્યવહારો દીઠ માહિતીઓને દૈનિક ધોરણે અપલોડ કરવાની રહેશે. એલઆરએસ હેઠળ સગીર સહિતના તમામ નિવાસી ભારતીઓ દરેક નાણાકીય વર્ષે રૂ.2,50,000 ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલાવી શકે છે.