ઇન્ફોસિસનો નબળા અંદાજથી રોકાણકારોમાં વ્યાપશે નિરાશા

મુંબઇ,તા.17
દેશની બીજા ક્રમની સોફ્ટવેર નિકાસકાર ઇન્ફોસિસે માર્ચ 18 ક્વાર્ટરનાં પરિણામો જાહેર કર્યાં છે અને 201718માં ડોલરમાં થતી આવકમાં 7.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં આ વૃદ્ધિદર 7થી 9 ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ છે.
કરન્સી રેટ્સને અચળ ધારીએ તો આ ગ્રોથ 6થી 8 ટકાની વચ્ચે રહેવાની અપેક્ષા છે. આમ, તેના લીડરશિપમાં એક ક્વાર્ટર પહેલાં થયેલા ફેરફારથી પરિણામો પર ખરાબ અસર પડવાની સંભાવના નથી. પરંતુ રોકાણકારોને તેનાથી કોઈ ફરક પડવાનો નથી, કારણ કે, ઇન્ફોસિસે આગામી ક્વાર્ટર્સમાં વૃદ્ધિ માટે નબળો અંદાજ આપ્યો છે. આઇટી સેક્ટરની એજન્સી નાસકોમે સરેરાશ વૃદ્ધિનો ટાર્ગેટ 7થી 9 ટકાની વચ્ચે આપ્યો છે અને ઇન્ફોસિસ તેના કરતાં સારું પર્ફોર્મન્સ કરી શકે એવી શક્યતા નથી.
ઉપરાંત, ઇન્ફોસિસે આપેલા નબળા અંદાજને કારણે તે સતત બીજા નાણાકીય વર્ષમાં સૌથી મોટી હરીફ ટીસીએસ કરતાં ઓછો વૃદ્ધિદર હાંસલ કરશે તેવી ચિંતા રોકાણકારોને નિરુત્સાહ કરી શકે છે. 2015-16અને 2016-17 એમ બે નાણાકીય વર્ષથી ઇન્ફોસિસને પાછળ રાખનાર ટીસીએસ હવે 2017-18માં પણ સારો વૃદ્ધિદર જાહેર કરે તેવી ધારણા છે. ટીસીએસ 19 એપ્રિલે માર્ચ18 ક્વાર્ટરનાં પરિણામ આપવાની છે.
ઇન્ફોસિસે શુક્રવારે ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતી વખતે અગાઉ આપેલો 23-25 ટકાનો ટાર્ગેટ માર્જિન બેન્ડ ઘટાડીને 22-24 ટકા કર્યો હતો. નવી ટેક્નોલોજી પાછળ જંગી રોકાણને કારણે આ ટાર્ગેટ નક્કી કર્યો હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું. કંપની તેના શેરહોલ્ડર્સને વધુ રોકડ પાછી આપવા માંગે છે, જેના કારણે રોકાણકારોને થોડીક રાહત મળશે. 70 ટકા ફ્રી કેશ ફ્લો (મૂડીખર્ચ માટે ફાળવણી કર્યા બાદનો વાર્ષિક રોકડ પ્રવાહ) પાછો આપવાની નીતિ સિવાય ઇન્ફોસિસ શેર દીઠ રૂ.20.5ના ફાઇનલ ડિવિડન્ડ સિવાય રૂા.10નું સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની યોજના ધરાવે છે. આમ, 2017-18 માટે તેનું કુલ ડિવિડન્ડ રૂા.43.5/શેર થાય છે, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 30 ટકા વધારે છે. તે ચાલુ વર્ષે રૂા.10,400 કરોડ જેટલી રકમ શેરહોલ્ડરને પાછી આપવા માંગે છે. માર્ચ18ના અંત સુધીમાં કંપની પાસે રૂા.26,225 કરોડની રોકડ હતી.
શુક્રવારના રૂા1,169ના બંધ ભાવ પ્રમાણે, તેનો શેર એફવાય18ની કમાણીના 16 ગણાએ ટ્રેડ થઈ રહ્યો છે, જે ટીસીએસના 23.6ના પીઇ મલ્ટિપલ સામે નોંધપાત્ર ડિસ્કાઉન્ટ છે.