મોદીને સેક્યુલર બની વૈશ્ર્વિક નેતા બનવાના અભરખા: તોગડિયા

તોગડિયા આગામી મહિનામાં નવા હિન્દુ સંગઠનની જાહેરાત કરશે
ગાંધીનગર,તા.17
કેટલાક સમયથી સંઘ અને ભાજપના મોવડી મંડળ સાથે ચાલી રહેલા મતભેદ અને સંઘર્ષના અંતે છેવટે પ્રવીણ તોગડિયાનો વિશ્વ હિંદુ પરિષદ સાથેનો સંબંધ પૂરો થયો છે. આ ઘટનાક્રમ અને આવનારા સમયમાં શું આયોજન છે તે અંગે તોગડિયાએ સાથે ખાસ વાત કરી હતી. મહત્ત્વનું છે કે તોડગિયાના સમર્થનમાં વડોદરામાંથી 100, પાટણમાંથી 15 અને સાબરકાંઠામાંથી 137 રાજીનામાં પડ્યાં છે.
વિહિંપમાં તમારી સાથે બનેલી ઘટના અંગે શું કહેશો? તેવા પ્રશ્ર્નનાં જવાબમાં ડો.તોગડિયાએ કહ્યું હતું કે મે રાજીનામું આપ્યું નથી પરંતુ રાજકીય દબાણ ઊભું કરીને મને વીએચપી છોડાવવામાં આવી છે. નરેન્દ્રભાઈ હવે સેક્યુલર બનીને આંતરરાષ્ટ્રિય નેતા બનવા માગે છે. આવતા મહિનામાં હું નવા હિંદુ સંગઠનની જાહેરાત કરીશ, જે વણઉકેલ તમામ મુદ્દે લડાઈ લડશે. મારી લડાઈ નરેન્દ્ર મોદી સામે નથી. અમે તો નરેન્દ્રભાઈ છે, તેનાથી પણ વધુ મહાન બને તેમ ઇચ્છીએ છીએ. તેમણે, સંઘે અને ભાજપે જે પ્રશ્નોનું નિરાકરણ કરવાની હિંદુ સમાજને ખાતરી આપી હતી, તે પ્રશ્નો ઉકેલાય તે માટે પ્રયત્ન કરીશું. જેથી નરેન્દ્રભાઈને વચનપાલક શાસક તરીકે યાદ રાખવામાં આવે આ યુ-ટર્ન સરકાર છે. વચનો પૂરાં કરવાં નથી. કોઈ યાદ કરાવે તો ગમતું નથી. આ પહેલાં મજદૂર સંઘના મુદ્દે અડગ રહેલા મહામંત્રી કે. સી. મિશ્રાને હટાવાયા, ખેડૂતોના હિતો માટે અડગ રહેલા કિસાનસંઘના મધ્યપ્રદેશના અધ્યક્ષ કક્કાજી અને રાષ્ટ્રિય સચિવ કેલકરને હટાવાયા. હવે રામ મંદિરના મુદ્દે કાયદાની માગ પર અડગ પ્રવીણ તોગડિયાને હટાવ્યા. સંઘે પણ આ મુદ્દે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નરેન્દ્રભાઈને કર્યો હોય તેવું ધ્યાનમાં નથી. તેમણે ઉમેયું હતું કે આમાં ક્યાં કોઈ બે વ્યક્તિ વચ્ચે સ્પર્ધા છે. નથી મિલકત જોઈતી, નથી સત્તા જોઈતી. અમે તો જે મુદ્દે હિંદુ સમાજની રામમંદિરની માંગને લઈને જ લડાઈ લડ્યા હતા, ગૌહત્યા રોકવાના કાયદાની માંગ, કાશ્મીરના હિંદુઓના પુનર્વસનની માંગ, એ વ્યક્તિગત નથી. આ દેશનો હિંદુ નેતા હિંદુઓના પ્રશ્નો અને મુદ્દાના સમાધાન માટે જરૂર પડે તો દબાણ ન કરી શકે? જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપને આ આક્રમકતા સારી લાગતી હતી. હવે, ખૂંચે છે.