ચોમાસુ તરબતર રહેવાના મંગળિયા

હવામાન ખાતાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસુ કેરળ પહોંચશે
અમદાવાદ તા.17
હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આખા ગુજરાતમાં પાણીની તંગીના સમાચારો આ્વવા લાગ્યા છે. આ સંજોગોમાં બધાનો આધાર ચોમાસા પર છે. આજે ચોમાસાના અંદાજ પર હવામાન ખાતા (આઇએમડી)ની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના આગામી ચોમાસા વિશે આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે પાછલા 11 વર્ષમાં આઇએમડી ની આગાહીમાં ભૂલો ઓછી થઈ છે અને મોટાભાગની આગાહીઓ સાચી પડી છે.
આજની પ્રેસ કોન્ફરન્સમાં હવામાન વિભાગે કહ્યું છે કે 97% સામાન્ય વરસાદની અપેક્ષા છે અને સતત ત્રીજા વર્ષે સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે 2018 માં વરસાદ સામાન્ય રહેશે અને વરસાદ ઓછો પડવાની શક્યતા નહિવત છે.આજની પ્રેસ કોન્ફરન્સમાં હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદનો આગામી અંદાજ 15મેના રોજ જાહેર થશે.
કૃષિ ક્ષેત્રે અને દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે હવામાન વિભાગે કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના ડીજી કે જી રમેશે કહ્યું કે, ચોમાસાની લાંબા ગાળાની સરેરાશ 97 ટકા રહેશે કે જે આ મોસમ માટે સામાન્ય છે. ઓછા વરસાદની ઘણી જ ઓછી શક્યતા છે. આ પહેલા હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે પણ 4 એપ્રિલે કહ્યું હતું કે, 2018માં ચોમાસું 100 ટકા સામાન્ય રહેવાની શક્યતા છે.
એલપીએના 96-104 ટકા વરસાદને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. સામાન્યથી વધુ ચોમાસામાં વરસાદ એલપીએના 104-110 ટકા હોય છે. એલપીએના 110 ટકાથી વધુ થવા પર તેને અતિભારે કહેવાય છે.
હવામાન વિભાગ મુજબ, 42 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, જ્યારે 12 ટકા શક્યતા છે કે વરસાદ સામાન્યથી વધુ થશે. તેનો અર્થ છે કે દેશમાં વરસાદ સામાન્યથી વધુ થવાની સારી શક્યતા છે. ચોમાસું મેના છેલ્લા સપ્તાહ કે જૂનના પહેલા સપ્તાહમાં કેરળ પહોંચી શકે છે.આ પહેલા 2017 અને 2016માં પણ ચોમાસુ સામાન્ય રહ્યું હતું, પરંતુ 2014 અને 2015માં ચોમાસું ઓછું હોવાના કારણે દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદ થવાથી સારી ખેતી થશે અને અર્થવ્યવસ્થા પર તેની સીધી અને સકારાત્મક અસર થશે.