વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં સવા કરોડનું મગફળી કૌભાંડ કરનારા પૂર્વ ચેરમેનના ફરીથી ચેરમેન બનવા માટે હવાતિયાં


વિસાવદર, તા. 17
વિસાવદરમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન નિર્દોષ ખેડુતોને ભોળવી તેમના રેવન્યુ રેકર્ડની નકલો મેળવી ગુજરાતની મગફળીના બદલે રાજસ્થાની મગફળી ખરીદી કરી નિર્દોષ ખેડુતોના ખાતામાં જમા થયેલ રકમો ઉપાડી આશરે સવા કરોડનું મગફળી કૌભાંડ આચરેલ અને તેના કારણે માર્કેટીંગ ચેરમેન પદ ગુમાવેલ. આ કૌભાંડીએ ભુતકાળમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ, તથા ખેડુતોના નામના બોગસ લાયસન્સો ઉભા કરી તેમને મતદારો બનાવી અગાઉની ચુંટણી જીતેલ હતી ત્યારે વર્તમાન બોડીમાં પણ આશરે 150 જેટલા નવા લાયસન્સો ઈસ્યુ કરવા વર્તમાન ચેરમેન ઉપર રાજકીય દબાણ લાવી લાયસન્સ કઢાવવા જતા લાયસન્સ ઈસ્યુ કરવાની ના પાડતા જિલ્લા ભાજપના એક ઉચ્ચ હોદેદારને લઈને વિસાવદર માર્કેયીંગ યાર્ડમાં દબાણ કરવા આવેલ એમ છતા વર્તમાન બોડીએ કે ચેરમેને નવા ખોટા બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાની ચોખ્ખી ના પાડતા હવે પ્રદેશ કક્ષાએથી દબાણો ચાલુ કરાયા હોવાની ચર્ચા વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં થતી જોવામાં આવે છે. વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં જ આ કૌભાંડીના કહેવા મુજબ નવા લાયસન્સ ઈસ્યુ કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યુ છે ત્યારે વર્તમાન બોડી ઘુટણીએ પડશે કે કેમ? તેવો સવાલ રાજકીય સહકારી આગેવાનોમાંથી ઉઠેલ છે.