તાલાલા પંથકમાં સાંગોદ્રા કેનાલના છલકાતાં પાણીથી ખેતરોનું ધોવાણ

સત્વરે બેદરકાર તંત્ર વેડફાઈ જતું પાણી બચાવે તેવી ઉઠતી માગ
તાલાલા,તા.17
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્ર્વર ડેમનું અમુલ્ય પાણીનો બગાડ થતો હોય કિંમતી પાણીનો બચાવ કરવા ખેડુતોમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.
આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકનાં નવગામનાં ખેડુતોને ઉનાળુ પીયત માટે હિરણ નદી ઉપરની કેનાલ વાટે પાણી આપવામાં આવે છે. આ પૈકી સાંગોદ્રા કેનાલ દ્વારાં આપવામાં આવતાં સિંચાઈ માટેના પાણીનો વ્યાપક બગાઈ થઈ રહ્યો હોવાની ફરીયાદો ઉઠી છે.ખેડુતોને ઉનાળુ ફસલ માટે સાંગોદ્રા કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે આ કેનાલ છલકાઈ ગઈ છે. પરીણામે ખેડુતોનાં ખેતરમાં જરૂરીયાત કરતાં વધુપાણી જતુ હોય કિંમતી પાણીના બગાડ ઉપરાંત ખેડુતોનાં ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે.કેનાલ વિસ્તારનાં ખેડુતોના જણાવ્યા પ્રમાણે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કેપીસીટી કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે. જેને કારણે કેનાલ છલકાઈ જાય છે. અને વધારાનું પાણી ખેડુતોના ખેતરમાં બીનજરૂરી જાય છે.
ખેડુતોએ જણાવ્યુ છે કે કેનાલમા પાણી છોડયા બાદ કેનાલનાં પાણીની તપાસ કરવી જોઈએ. તે થતી નથી જેથી કેનાલનાં વધારાનું પાણી નીચાણવાળા ખેડુતોના ખેતરનું ધોવાણ કરતુ હોય ખેડુતોના ખેતરનું ધોવાણ થતુ બંધ કરવા ખેડુતોને જરૂરીયાત કરતાં વધારે આપવામાં આવતુ પાણી બંધ કરી કીંમતી પાણીનો બચાવ કરવો જોઈએ.
તાલાલા પંથકના કેનાલ આધારી ગામનાં ખેડુતોએ બેથી ત્રણ એકર ઉનાળુસ સિંચાઈ માટે પાણીની માંગણી કરી છે છતાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી લઈ જતા હોય પાણીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સતાવાળાઓ જાણે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી જેને કારણે ખોટી રીતે પાણીનો બગાડ થતો હોવાના આક્ષેપો કરી ખેડુતોને જરૂર નથી છતાં પણ આપવામાં આવતુ પાણી બંધ કરી પાણીની અછત સમયે અમુલ્ય પાણીનો બચાવ કરવા ખેડુતોમાંથી પ્રબળ માંગ ઉઠી છે. તાલાલા પંથકમા કેનાલમાં છોડાતા પાણીથી ખેતરોનું ધોવાણ થતુ હોવાની રાવ ઉઠી છે. (તસ્વીર: સરદારસિંહ ચૌહાણ)