વાંકાનેરના જીયાણા નજીક અકસ્માતમાં દંપતિનું મોત

બાઈક પર રાજકોટ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક કાળ બનીને ત્રાટકતા અરેરાટી
બંનેની સાથે અંતિમ યાત્રા નિકળતા ગમગીની છવાઈ
વાંકાનેર તા.17
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા મિસ્ત્રી દંપતિના બાઈકને જીયાણા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થતા મીસ્ત્રી પરિવાર ઉપર આભ ફાટયુ હતું.
તેઓના પરિવારમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર બાવાજીની વાડી નજીક રહેતા મીસ્ત્રી સંજયભાઈ ધ્રાંગધરીયાનો યુવાન પુત્ર જીતેન્દ્ર સંજયભાઈ ધ્રાંગધરીયા (ઉ.25) તથા તેમની પત્ની ધર્મિષ્ઠા જીતેન્દ્રભાઈ ધ્રાંગધરીયા ઉ.23
સવારે સાડા નવેક વાગ્યે પોતાનું બાઈક લઈ પતી પત્ની રાજકોટ ખાતે જવા માટે નિકળ્યા હતા ત્યારે વાંકાનેરથી કુવાડવા વચ્ચેના રોડ ઉપર જીયાણા ગામ નજીક આ દંપતીના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈને નાસી છુટયો છે. સંજયભાઈ ધ્રાંગધરીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં મરણ જનાર જીતેન્દ્ર મોટો હતો અને અઢી મહિના પહેલા જ તેમના લગ્ન ધર્મિષ્ઠાસાથે ધામધુમથી કરવામાં આવેલ. રાજકોટ રહેતા તેમની સાળીને બીમારી સબબનું આવતીકાલે ઓપરેશન હોય તેને લઈને આજે સવારે જીતેન્દ્ર અને તેમની પત્ની ધર્મિષ્ઠા બન્ને બાઈક લઈને રાજકોટ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ફુટબોલની જેમ ઉલાળતા યુવા દંપતીના ઘટના સ્થળેજ મોત થયા હતા.
બન્નેના મૃતદેહને પીએમ માટે કુવાડવા હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. પીએમ બાદ બન્નેના દેહને વાંકાનેર લાવવામાં આવતા મીસ્ત્રી પરિવારમાં ભારે કરૂણાભર્યા દ્દશ્યો જોવા મળ્યા હતા.
સાંજે બન્નેની સાથે અંતીમયાત્રા નીકળી હતી જેમાં સગા સ્નેહીઓ ઉપરાંત આ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.