જામનગરમાં લાખોની લૂંટનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમનું બહુમાન

ભોગ બનનારા પરિવાર દ્વારા સન્માન સમારોહ યોજાયો
જામનગર તા,17
જામનગરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં. 7માં આવેલા ભાનુશાળી અગ્રણી વેપારી સ્વ. જેન્તીભાઇ કનખરાના બંગલામાં ગત સપ્તાહે લૂંટની ઘટના બની હતી અને લાખોની માલમતાની લૂંટ ચલાવાઇ હતી જે લુંટની ઘટનાનો ભેદ માત્ર 72 કલાકમાં જ ઉકેલી નાખવામાં આવ્યો હતો. જામનગરના જીલ્લા પોલીસ વડા પ્રદીપ શેજુળ ડી.વાય.એસ.પી. પટેલ અને એચ.પી. દોશી ઉપરાંત એલસીબીના પી.આઈ. આર.એ. ડોડીયા અને એલસીબીની સમગ્ર ટીમ આ લૂંટની ઘટના પછી દોડધામમાં પડી ગઇ હતી અને પોલીસ તંત્રને પડકાર એવા આ લૂંટના ઘટનાના બનાવનો ભેદ માત્ર 72 કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો અને બે લૂંટો શખ્સોને લૂંટમાં ગયેલી તમામ માલમત્તા સાથે માત્ર 72 કલાકમાં જ દબોચી લીધા હતા.
માત્ર ટુંકા ગાળામાં ભાનુશાળી પરિવારને ન્યાય મળી ગયો હોવાથી જામનગરના હાલારી ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કીરીટભાઇ ભદ્રા અને અને સ્વ. જેન્તીભાઇના પૌત્ર મિતેશ મુકેશભાઇ કનખરા દ્વારા જામનગરની સમગ્ર પોલીસ ટીમને સન્માનિત કરવા માટેનો એક અભિવાદન સમારોહ સોમવારે રાત્રે જામનગરના સમર્પણ ઓવર બ્રીજ નજીક આવેલી વિશાળ ઈન્ટરનેશનલ હોટલમાં રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં જામનગર શહેરના અગ્રણીઓ વેપારીઓ સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના મ્યુનિ. કમિશ્નર આર.બી. બારડ, નગરના મેયરર પ્રતિભાબેન કનખરા ઉપરાંત ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કીરીટભાઇ ભદ્રા અને મિતેશભાઇ મુકેશભાઇ કનખરા વગેરે દ્વારા જામનગરના એસ.પી. પ્રદીપ સેજુળ અને તેમની સમગ્ર ટીમ જેમાં ખાસ કરીને એલ.સી.બી. ના સ્ટાફ કે જેમણે ભારે દોડધામ કરી લુંટના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
તે તમામ સ્ટાફને શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યુ હતું. જીલ્લા પોલીસ વડાએ પણ પોલીસની ટીમને બીરદાવવા બદલ અભિવાદન સમારોહના આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો અને આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલનાર સમગ્ર એલસીબીની ટીમને તેઓએ પણ શુભેચ્છા પાઠવી હતી. (તસવીર: સુનીલ ચુડાસમા)