પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ ઘરે આવશે

અમદાવાદ તા.17
પાસપોર્ટ માટે જેમણે એપ્લિકેશન આપી હોય તેમણે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યા બાદ વેરિફિકેશન માટે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોતાના ડોક્યુમેન્ટ્સ લઈને જવું પડતું હોય છે. પરંતુ હવે એક એપથી આ બધી જ પ્રોસેસ ઘરે જ થશે. એક પોલીસકર્મી એપ્લિકેશન કરનારના ઘરે આવશે. આ પોલીસકર્મી પાસે મોબાઈલમાં પોકેટ કોપ એપ હશે.
પોકેટ કોપ એપ દ્વારા ઘરે આવેલ પોલીસ અરજીકર્તાનો ફોટો ખેંચશે, ઘરનું એડ્રેસ અને અન્ય દસ્તાવેજો સ્કેન કરશે. બાદમાં બધા જ ડોક્યુમેન્ટ્સ શહેર પોલીસ કમિશ્નર કે જિલ્લા જઙ ઓફિસમાં મોકલશે. આ એપના પાઈલટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગરમાંથી કુલ 2,100 અરજીકર્તાઓનું પોલીસ વેરિફિકેશન આ એપ દ્વારા કરવામાં આવ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ, અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુર અને ડીજીપી શિવાનંદ ઝાની હાજરીમાં પોકેટ કોપ એપ લોંચ કરી. પ્રથમ તબક્કામાં પોકેટ કોપ એપ ઈન્સ્ટોલ કરેલા કુલ 4,900 ફોન પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓને અપાશે.
એસસીઆરબીના એડીજીપી શમશેર સિંહે કહ્યું કે, બીજા તબક્કામાં અમે રાજ્ય પોલીસના સિટીઝન પોર્ટલ પર પોલીસની દરેક પ્રવૃત્તિને એક જ મોબાઈલ પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી કરીને પોલીસ કર્મચારીઓ ગમે ત્યારે ગમે તે માહિતી મેળવી શકે. આ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે પણ અમે સિસ્ટમ વિકસાવી રહ્યા છીએ.
ગુજરાત પોલીસના સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એસસીઆરબી)એ એક આઇટી કંપની સાથે મળીને બનાવેલી આ એપ્લિકેશનમાં ચાર ફંક્શન છે. પાસપોર્ટનું વેરિફિકેશન, આરોપીની શોધખોળ, ખોવાયેલ વાહનની તપાસ અને ગુમ થયેલ વ્યક્તિની તપાસ એપ દ્વારા થશે. પોકેટ કોપ એપમાં છેલ્લા ત્રણ હેતુઓ માટે 2004થી નોંધાયેલી ફરિયાદો, 69 લાખ આરોપીઓની માહિતી અને 14 લાખ વાહનોની માહિતી એકત્ર કરવામાં આવી છે.