મોદીની યુ-ટર્ન સરકાર છે: તોગડિયા ઓન ફાયર

અપને-પરાયે  આજથી તોગડિયાના બેમુદતી ઉપવાસ: રાજયભરમાં ઉત્તેજના: નવા સંગઠનની જાહેરાતની સંભાવના હિન્દુત્વ અને પાટીદારોનું ‘કોકટેલ’ બનાવી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે
પાલડી સ્થિત ડો. વર્ણીકર ભવન ખાતે ઉપવાસ શરૂ: અનેક સંતો-મહંતો જોડાયા
અમદાવાદ તા.17
વિશ્ર્વહિન્દુ પરિષદમાંથી બહાર થઇ ચૂકેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયાએ અયોધ્યામાં શ્રીરામ મંદિર બનાવવાની માંગ સાથે અમદાવાદમાં આજથી આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. પાલડી ખાતેના ડો. વર્ણીકર ભવન પાસે ડો. તોગડિયાની ઉપવાસી છાવણીએ ગુજરાતના અનેક શેહરો અને ગામડાઓમાંથી ઉપવાસ સ્થળ કાર્યકરોના ‘જયશ્રીરામ’ના સૂત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. બહાર આવી રહેલા અહેવાલ અનુસાર ડો. તોગડિયાએ પોતે હિન્દુ સમૂદાયના હિત માટે સતત ઝઝૂમતા રહેશે તેવી જાહેરાત કરી હતી. અન્ય એક અહેવાલ એવો પણ નિર્દેશ આપે છે કે, પ્રવીણ તોગડિયા કોઇ એક નવા સંગઠનની રચના માટેની ઘોષણા કરે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ગુજરાત બીજેપીના બે દિગ્ગજ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ગેરહાજરીની સાથે પ્રવીણ તોગડિયાની વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ ગુજરાતનું રાજકરણ એક નવા જ વળાંકે આવીને ઉભું છે. આગામી દિવસોમાં હિન્દુ નેતાની છબિ ધરાવતા અને પાટીદાર સમાજના આગેવાન એવા ડો. તોગડિયા અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એક થઈને 2019ની લોકસભા ચૂંટણી માટેની નવી વ્યૂહરચના ઘડી રહ્યા છે. આમ બીજેપી સામે હિન્દુત્વ અને પાટીદારનું સામાજિક અને રાજકીય કાર્ડ રમાશે.
ખાસ કરીને આ બન્ને નેતાઓ ભાજપની વિરૂદ્ધમાં હોવાથી પાછલા બારણે કોંગ્રેસનો સાથ લઈ આગળ વધે એ દિશામાં નવું સમીકરણ રચાઈ રહ્યું છે. ડોક્ટર તોગડિયા અને હાર્દિક પટેલના સંબંધો સારા રહ્યા છે. હાર્દિકના આંદોલન સમયે તોગડિયાએ પડદા પાછળ રહીને પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો હતો. માત્ર એટલું જ નહીં, તોગડિયાને જે જે મુશ્કેલીઓ નડી તે દરમિયાન હાર્દિક પટેલ તેની પડખે રહ્યો હતો.
આ ઉપરાંત તોગડિયાના પુત્ર ધ્રુવ તોગડિયા પણ હાર્દિકના આંદોલનમાં પાછલા બારણેથી સમર્થક તરીકે કામ કરતો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર્દિક અને તોગડિયા ભેગા મળીને હિન્દુત્વની સાથે પાટીદારોની એક નવી ધરી રચીને આ ચૂંટણીમાં ભાજપને હરાવવા બન્ને સાથે મળીને કામ કરે એવી સંભાવનાઓ છે.
ભાજપના વિરૂદ્ધમાં તોગડિયા અને હાર્દિકના સાથની સાથે કોંગ્રેસનો હાથ પણ કામ કરશે. આવતીકાલથી પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસની સાથે નવા સંગઠનની રચનાની દિશામાં આગળ વધવાના છે ત્યારે હાર્દિક પટેલ પણ તેમના આ નિર્ણય સાથે રહે એવી શક્યતાઓ છે.
વિધાનસભા ચૂંટણીમાં તોગડિયા અને હાર્દિક પટેલે અમરેલીમાં કર્યો બીજેપીનો સફાયો
પ્રવીણ તોગડિયા મૂળ અમરેલી જિલ્લામાં આવેલા લીલીયાના પાટીદાર છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં બીજેપીનો સફાયો થયો હતો. આ જિલ્લાની તમામ બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. આથી આ પરાજય પાછળ તોગડિયાનું ભેજું હોવાની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. આ ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપને હરાવવા માટે હાર્દિક પટેલે પણ ખાનગી મીટિંગોથી લઈને જાહેરસભાઓ પણ સંબોધી ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો.
હાર્દિક પટેલ અને તોગડિયાના આ સંબંધો ઘણા સૂચક છે. આ પહેલા જાન્યુઆરી 2018માં પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કર્યા બાદ હાર્દિક પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તોગડિયા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે આ ષડયંત્ર પીએમ મોદી અને અમિત શાહે ઘડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હાર્દિક પટેલે તોગડિયા ગાયબ થયા બાદ એક પછી એક ઘણાં બધા ટ્વીટ કરીને તેનું સમર્થન કર્યું હતું. તો બીજી તરફ પ્રવીણ તોગડિયાએ હાર્દિક પટેલની બહેનના લગ્નમાં પણ ખાસ હાજરી આપી હતી. આ સમયે પણ બન્નેના સંબંધોને લઈ અનેક તર્ક-વિતર્ક કરવામાં આવ્યા હતા. ઉપવાસનું સ્થળ છેલ્લી ઘડીએ બદલાયું
અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્ર્વ હિન્દુ પરિષદનો ચહેરો બની ચૂકેલા પ્રવિણ તોગડિયા વીએચપી સાથે છેડો ફાડ્યા બાદ હવે અનિશ્ચિત ઉપવાસ પર ઉતરી રહ્યા છે. ઉપવાસના સ્થળ તરીકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે બહોળી સંખ્યામાં સમર્થકો પણ જોડાશે. જો કે આ પહેલા ઉપવાસના સ્થળ તરીકે બત્રીસી હોલ નિશ્ચિત કરવામાં આવ્યો હતો.પરંતુ બહોળી સંખ્યામાં તોગડિયાના સમર્થકો હાજર રહે તેવી શક્યતા અને સુરક્ષાને કારણે ઉપવાસ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવિણ તોગડિયાના ઉપવાસને રાજ્ય ઉપરાંત દેશભરના સંતો મહંતોએ સમર્થન જાહેર કર્યું છે. હવે ઉપવાસનું સ્થળ પાલડી સ્થિત ડો. વર્ણીકર ભવન ખાતે વિહિપ કાર્યાલયજ રહેશે તેમ જાહેર કરાયું હતું. અખિલ વિશ્ર્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અવધૂત રામાયણીએ પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. અવધૂત રામાયણીએ દાવો કર્યો હતો કે મંગળવારથી શરૂ થઇ રહેલા તોગડિયાના ઉપવાસમાં દેશભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. બીજી તરફ સંઘના પદાધિકારીઓએ પણ પ્રવીણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. તોગડિયા અને સંઘના પદાધિકારીઓ વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જોકે સંઘના પદાધિકારી હરેશ ઠક્કરે બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી કોઇ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.. સંઘના ચિંતન ઉપાધ્યાય અને યશવંત ચૌધરી તોગડિયાને મળ્યા હતા. મંગળવારથી ઉપવાસ શરૂ કરતા પહેલા તોગડિયાએ અમદાવાદના પ્રસિદ્ધ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરે ભોળેનાથના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તોગડિયાએ જણાવ્યું હતું કે તેમણે દેશમાં રામમંદિર તથા ગૌહત્યાનો કાયદો બને તેવા સંકલ્પ પૂરા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી.