રોકડની તંગી વધી: ATM તળિયા ઝાટક, ડચકાં ખાતી બેંકો

રાજકોટ ‘કેશલેસ’ બનવા ભણી ?! RBI માંથી ચલણી નોટો ન આવતાં બોકાસો કરન્સી ચેસ્ટો પાસે પણ મર્યાદિત જથ્થો, આ સપ્તાહમાં RBI નવી ફાળવણી કરે એના પર બધો મદાર \ રાજકોટ તા.16
નવા નાણાંકીય વર્ષના પ્રારંભે જ રાજકોટમાં રોકડની અભૂતપૂર્વ તંગી ઉભી થઇ છે. એમ તરફ, બેંકો પાસે કેશ ખુટી રહી છે તો બીજી બાજુ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાંથી ચલણી નોટોની નવી ફાળવણી આજે પણ નથી થઇ અને કૃષિ પાકોની સીઝનમાં ઓઇલ મીલો - જીનર્સ દ્વારા મોટી રકમના ઉપાડની તજવીજ અવિરત રહી છે. આ સ્થિતિમાં આજે તો અનેક એ.ટી.એમ. પણ રોકડના અભાવે શોભાના ગાંઠીયા જેવા બની ગયા હતા.
રાજકોટમાં બેન્કીંગ સેન્ટર સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે રાજકોટમાં કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકોએ પ0-પ0 થી માંડીને 100-100 કરોડના ઇન્ડેન્ટ આરબીઆઇને મોકલીને એટલી ચલણી નોટો પુરી પાડવાની ડીમાન્ડ કરી છે પરંતુ તેના પાંચમાં ભાગની રોકડ પણ માંડ પુરી પાડવામાં આવે છે. એટલી તો એટલી કેશ મળે તો પણ થોડા દિવસ ગાડું ગબડી જાય તેવી ગણતરીએ આજે કેશ આવી પહોચવાની આશા રખાતી હતી, પણ હજુ ફાળવણી નથી થઇ. આ સપ્તાહમાં રીઝર્વ બેંક પૈસા આપે છે કે કેમ અને આપે તો કેટલાં તેના પર સઘળો મદાર છે.
બેંક ઓફ બરોડાની અમુક શાખામાં આજે સવારથી કેટલાંક મોટા ધંધાર્થી એવા કસ્ટમર્સને પ થી ર0 લાખ સુધી ઉપાડ કરવા દેવાયો ત્યાં જ નોટો ઘટી પડવાની ભીતિ લાગતાં બિનસતાવાર લિમિટ બાંધીને મોટા ઉપાડકારોને તેમની જરૂરતના ચોથા ભાગની જ રકમ ઉપાડવા સમજાવવાનું શરૂ કરી દેવું પડયું હતું. આવું જ અન્ય અમુક બેંકોની શાખાઓમાં બન્યું હતું.
બીજી તરફ યાજ્ઞિક રોડ, હેડ પોસ્ટ ઓફીસ, કાલાવડ રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ સહિતના વિસ્તારમાં સંખ્યાબંધ એટીએમમાં કેશ ખુટી પડી હતી. અનેક સ્થળે એટીએમ પર મશીન બંધ છે તેવા બોર્ડ લાગી જતાં સામાન્ય પ્રજાજનોને ભારે તકલીફ પડી હતી. અગાઉ હલ્લા કરનારા જ હવે સત્તા પર છે... રાજકોટના એક મહાજન અગ્રણીએ કહ્યું કે ભૂતકાળમાં ચલણ નોટો માટે હલ્લા કરનારાઓ જ હવે સતા પર છે, ને નોટની વ્યવસ્થા નથી કરી શકતા. આટલા મોટા દેશમાં ચલણી નોટની તંગી હોય અને આરબીઆઇ પાસે પણ નોટ ન હોય તે કેવું કહેવાય ! ‘કેશ’ને બદલે ચેકથી અને ડિજિટલ ટ્રાન્ઝેકશનથી ચલાવવું પડે તેવી સ્થિતિ સંભવિત: મોટા ઉપાડકારોને વિનવતી બેંકો ગ્રેટર ચેમ્બરનો આરબીઆઇને પત્ર: તત્કાલ કેશ આપવા માંગ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી ધનસુખભાઇ વોરાએ રીઝર્વ બેંકને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજકોટની કરન્સી ચેસ્ટમાંથી એકપણ પાસે પુરતી કેશ નથી અને ઘણા એટીએમ પણ બંધ છે ત્યારે રોજીંદા વ્યવહારમાં ખાસ કરીને દુધ-શાકભાજીના વેપારીઓને રોકડના અભાવે સૌથી વધુ તકલીફ પડી રહી છે. વેપાર-ઉદ્યોગ ખોડંગાઇ રહ્યા છે. રીટેઇલ ધંધાર્થીઓનો ધંધો રોકડ પર જ ચાલતો હોય છે, હાલ રોકડની તંગીને લીધે ખરીદ-વેચાણમાં તેને તકલીફ પડી રહી હોઇ તત્કાલ કેશ ફાળવવા માંગ ઉઠાવાઇ છે. યાજ્ઞિક રોડ પર અને એચ.પી.ઓ.ના એટીએમ સહિત અનેક સ્થળે એટીએમમાં કેશ ખુટી પડી હતી. (તસવીર: પ્રવીણ સેદાણી)