પ્રેમી પંખીડા નહાવા ગયા ત્યારે કરૂણાંતિકા સર્જાઇ’તી

શનિવારે સાંજે આજી ડેમમાં ડુબેલ યુવકનો 12 કલાક બાદ મૃતદેહ મળ્યો રાજકોટ તા. 16
રાજકોટનાં મયુરનગરમાં રહેતી યુવતિ અને ચુનારાવડ વિસ્તારમાં રહેતો યુવક બન્ને પ્રેમી પંખીડા શનિવારે આજીડેમ ખાતે ગયાં હતાં. ત્યાં બન્ને ન્હાવા પડતા બન્ને ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતાં શનિવારે ફાયર બ્રિગેડની ટીમે યુવતિની લાશ બહાર કાઢી હતી પરંતુ યુવકની લાશ મળી ન હતી. ત્યારે આજે સવારે પ્રેમી યુવકની લાશ મળી આવતા પરિવારજનોમાં ક્લપાત સર્જાયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં રહેતી છાંયા વલ્લભભાઇ ચોૈહાણ (ઉ.18) અને ચુનારાવાડમાંરહેતો સાગર નરસીભાઇ બારૈયા (ઉ.20) ગઇકાલે શનિવારે સાંજે માંડા ડુંગર પાસે આજીડેમમાં ડુબી ગયાની જાણ થતાં બંનેના પરિવારજનો હતપ્રભ થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં શોધખોળ બાદ સાંજે છાંયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બીજી તરફ સાગરને શોધવા મોડી રાત સુધી મથામણ થઇ હતી. પણ તે મળ્યો નહોતો. દરમિયાન આજે રવિવારે સવારે તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કોળી પરિવારના આ બંને યુવક-યુવતિને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંનેના પરિવારજનો પણ વાકેફ હતાં. આ કારણે સાગર અને છાંયા એકબીજાની ઘરે પણ આવતાં જતાં હતાં. છાયા ચાર બહેનમાં બીજી હતી અને કેટરીંગના
કામમાં માતા સાથે જતી હતી. તેના પિતા હયાત નથી. શનિવારે બપોર બાદ સાગર અને છાંયા આજીડેમે ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ તે ડૂબી ગયાની પરિવારજનોને જાણ થઇ હતી. બંને ન્હાવા જતાં ડુબી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. આજે સવારે સાગરની પણ લાશ મળતાં ગમગીની છવાઇ ગઇ હતી. વધુ તપાસ આજી ડેમ પોલીસ કહાથ ધરી છે.