આસ્થા ચોકડી પાસે મારામારીના ગુનામાં ત્રણ આરોપીઓને એક-એક વર્ષની સજા

છ વર્ષ પહેલાના કેસમાં એડીશનલ કોર્ટનો ચુકાદો

‘તારો ભાઇ કયા છે’ કહી પૈસાની લેતીદેતીમાં માર મારી ધમકી આપી’તી
રાજકોટ તા.16
દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી પાસે ગરાસીયા યુવાનને મારમારી ધમકી આપવાના છ વર્ષ પૂર્વેના કેસમાં કોર્ટે ત્રણ આરોપીને મારમારવાના ગુનામાં તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સજા ફટકારી હતી
આ કેસની જાણવા મળતી વિગતો મુજબ ગત તા.12-12-2018 ના રોજ દોઢસો ફૂટ રિંગ રોડ પર આસ્થા ચોકડી પાસે ફરિયાદી શક્તિસિંહ રણજીતસિંહ વાઘેલા તેના મિત્ર સાથે ઉભા હતા.ત્યારે આરોપી પિયુષ ખોડા મેઘાણી(રહે.મોટમવા શ્યામપાર્ક),સાંમંત ઘૂસભાઈ વકાતર(રહે.સંત કબીર રોડ કૈલાશધારા શેરી ન.1)તેમજ લખાભાઈ વીરા ભરવાડ (રહે. સાધુ વાસવાણી રોડ, મફટીયાપરા)ધસી આવ્યા હતા,અને તેમણે કહ્યું હતું કે, તારો ભાઈ ક્યાં છે?મારે એની પાસે પૈસા લેવાના છે.તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે માલવીયા નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ કેસ ચાલી જતા બંને પક્ષોની દલીલો તથા રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ ત્રણેય આરોપીઓને 1-1 વર્ષની સજા તથા રૂ.1 હજાર દંડ ભરવા આદેશ કર્યો હતો, દંડની રકમ ન ભરે તો વધુ 15 દિવસની સજાનો હુકમ અધિક ચીફ જુડીશ્યલ મેજિસ્ટ્રેટ વી.એસ. ગઢવીએ આદેશ કર્યો હતો.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી.બી.એન.શુકલ રોકાયા હતા.