આદિત્યાણામાં ભાજપના નગરસેવક સહિત બે ની હત્યા

ચૂંટણીના મનદુ:ખમાં ભાજપનાં જ વિપક્ષી નેતા સહિત પાંચ શખ્સોએ લોથ ઢાળી દેતા સનસનાટી

ભાજપના જ વિપક્ષી નેતા વિંજા મોઢવાડીયા સહિત પાંચ શખ્સો
છરી-પાઇપ વડે તુટી પડયા
રાજકોટ તા.16
પોરબંદર નજીકના આદિત્યાણામાં ગત રાત્રે 12 વાગ્યે ભાજપના સુધરાઈ સભ્ય સહિત બે ની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી.
ગામના રામદેવપીર ઓટલે બેઠેલા ભાજપના સુધરાઈ સભ્ય હાજા વિરમ ખુંટી (ઉ.વ.40) અને કાના ભકા કડછા (ઉ.વ.45) ઉપર ભાજપના વિપક્ષી નેતા સુધરાઈ સભ્ય વિંજાભાઇ રામદે મોઢવાડીયા અને અન્ય પાંચ જેટલા શખ્સો લોખંડના પાઈપ અને છરીઓ સાથે તૂટી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ આ ડબલ મર્ડર કરીને તમામ આરોપીઓને નાસી છૂટ્યા છે.
જેનું ખૂન થયું તે કાના ભુકા કડછાના પત્ની ગીતાબેને પોલીસમાં વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડીયા અને અન્ય પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ઘણાં વર્ષો પહેલા મરણ જનાર હાજા વિરમ ખુંટીના મકાનના નળીયા સહિત ઉપરનો ભાગ વિંજા રામદે વગેરેએ તોડી પાડ્યો હતો. ત્યારથી જુના વેરઝેર ચાલ્યા આવતા હતા અને તે અનુસંધાને હત્યા થઈ હોવાનું ફરિયાદમાં નોંધાયેલ છે આ ઉપરાંત ચૂંટણીનું મનદુ:ખ હોવાનું પણ જાણવા મળે છે.
પોરબંદરથી એસ.પી. સહિત ગ્રામ્ય ડી.વાય.એસ.પી. અને અન્ય પોલીસ અધિકારીઓ દોડી ગયા છે અને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો રાણાવાવના પી.એસ.આઈ. પટેલ સહિત પોલીસ કાફલા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
છેલ્લા ઘણાં વર્ષોથી આદિત્યાણામાં એકંદરે શાંતિ હતી પરંતુ આ ડબલ મર્ડર પછી ગામમાં શાંતિમાં પલીતો ચંપાયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. કારણ કે અગાઉ 1984 માં એકસાથે પાંચ મર્ડર થયા હતા અને 14 વર્ષ પહેલા પણ ડબલ મર્ડર થયું હતું. જેમની હત્યા થઈ તે સુધરાઈ સભ્ય હાજા વિરમ ખુંટી તથા કાના ભકા કડછાની ફાઈલ તસ્વીર. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)