પ્રેક્ષક ગેલેરી નહી ખોલાય તો મેયરની કાર હેઠળ કચડાઈ મરશું


રાજકોટ તા,16
રેઢા પડેલા કોર્પોરેશને પહોંચીને રાજકોટ મતદાર એકતા મંચ ના સત્યાગ્રહીઓએ મેયર, ડે. મેયર અને કમિશ્નર સહિતના 11 અધિકારીઓ તથા પદાધિકારીઓને પબ્લીક ગેલેરી ખોલવા આવેદનપત્રો આપેલ હતા.
ત્યારબાદ બે વખત રૂબરૂ મળીને વિનંતીઓ કરવા છતા તેમણે તા.19ની સામાન્યસભાની બેઠકમાં પબ્લીક ગેલેરીમાં પબ્લીકને પ્રવેશ નહી જ આપવાનો એક સરમુખત્યારની જેમ નિર્ણય જાહેર કરી દીધો હતો કે જે ખરેખર ગૃહમાં હાજર જનપ્રતિનિધિઓની બહુમતીથી જ લઇ શકાય. તેમના નિર્ણયને સ્વીકાર લેવાને બદલે સામે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા પણ તમામ માર્ગોએ લડત આપવાનો નિર્ધાર કરાયો છે બીપીએમસી એકટ 1949 ના (શીડ્યુઅલ-એ)ના ચેપ્ટર-2 ના સેકશન-1 અને સબસેકશન (ઈ) મુજબ સામાન્ય સભાની દરેક મીટીંગ પબ્લીક માટે ખુલ્લી જ હોવી જોઇએ તથા આગોતરી પ્રવેશબંધી ન કરી શકાય અને પ્રવેશબંધીનો નિર્ણય જે તે મીટીંગમાં ગૃહમાં હાજર જનપ્રતિનિધિઓની બહુમતીના નિર્ણયથી ઠરાવ પસાર કરીને જ કરી શકાય છે અને તે ઠરાવ માટે ફકત પ્રસ્તાવ મુકવાનો અધિકાર જ પ્રીસાઈડીંગ ઓથોરીટી તરીકે મેયરનો હોવા છતા જોહુકમી ભરેલા વ્યક્તિગત નિર્ણય માટેનો તેમનો હઠાગ્રહ લોકશાહીનો ભયંકર અનાદર છે. મેયરને વ્યક્તિગત નિર્ણય લેવાનો અધિકાર, ચાલુ મીટીંગે જો કોઈ વ્યક્તિ ખલેલ પહોંચાડી રહી હોય તો જ છે. ઉપરોકત કાયદાનું મનઘડત અર્થઘટન થઇ રહ્યું છે અને વિધાનતંત્ર દવારા આ મનઘડતન અર્થઘટનને અમલદારીતંત્ર મુક ભાગીદાર બનીને સહકાર આપી રહ્યું છે. મેયર અને કમીશનર એટલે કે વિધાનતંત્ર અને અમલદારીતંત્ર બન્ને ભાગબટાઈમાં કોર્પોરેશનની પેઢી ચલાવી રહ્યા છે ત્યારે રાજકોટ મતદાર એકતા મંચ તેમના દ્વારા સંયુકત રીતે થઇ રહેલા જનતાના શોષણને અટકાવવા મકકમ છે. રાજકોટ મતદાર એકતા મંચના સત્યાગ્રહીઓ વતી અશોકભાઇ પટેલ, પ્રવીણભાઇ લાખાણી અને આસીફભાઇ શેખે મોઢામોઢ જ મેયરને તા.19 ની સવારે મેયરના બંગલાથી તેમની ગાડી જયારે બહાર નીકળશે ત્યારે તેના આડે સુઈ જઇને તેમની મીટીંગમાં પહોંચતા અટકાવવાનો પ્રયત્ન કરાશે તેવી ચીમકી આપી છે.