કોંગ્રેસ હવે ખેડૂતોનો ‘અવાજ’ બનશે: અમિત ચાવડા

નવનિયુકત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ભાજપ સરકાર પર તડાપીટ પાકવીમો, ટેકાના ભાવ, ચૂકવણા અંગે સરકારને ભીડશે કોંગ્રેસ ટૂંક સમયમાં બુથ લેવલે ‘જન મિત્ર’ યોજના અમલી બનશે. દરેક બુથ પર એક મહિલા અને એક પુરૂષ પ્રમુખની થશે નિમણુંક રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા અમિત ચાવડા રાજકોટ, તા. 16
કોંગ્રેસ હવે ખેઠડુતોનાં પ્રશ્ર્ને સરકાર પર દબાણ કરશે. પાક વીમો, ટેકાના ભાવની ખરીદી અને ચુકવણામાં સરકારે ખેડુતો સાથે ઘોર અન્યાય કર્યો છે. કોંગ્રેસ હવે ખેડુતોનો અવાજ બનશે. આજરોજ કોંગ્રેસના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ હતું. અમિતભાઈ આજે રાજકોટમાં છે ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, આગામી સમયમાં કોંગ્રેસ જનમિત્ર યોજના શરૂ કરશે. દરેક બુથમાં 1 પ્રમુખ અને 2 કાર્યકરો પ્રમુખ નિમાશે. કાર્યકારી પ્રમુખમાં 1 મહિલા અને એક પુરૂષ પ્રમુખ હશે. અમદાવાદ-સુરતમાં તેનો પ્રારંભ થઈ ચુકયો છે ટુંક સમયમાં રાજયભરમાં નિમણુંક થશે અને સંગઠનનને મજબુત બનાવાશે.
સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરીષદ સંબોધતા તેઓએ કહ્યું કે, ‘હવે પછીની ચુંટણીમાં કોંગ્રેસ નવા જુસ્સા સાથે ઉતરશે. યુવાનોને અગ્રીમતા તથા વડીલોના માર્ગદર્શનથી કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી, કાયદો વ્યવસ્થા વગેરે મુદ્દાઓ સાથે મેદાનમાં પડશે.
સાથોસાથ અમિતભાઈએ કહ્યું કે, કોંગ્રેસ અત્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યુ છે આ માટે તેઓએ દરેક ધારાસભ્યને સ્વૈચ્છીક રીતે પક્ષને રૂા.1 લાખનું અનુદાન આપવા આહવાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખનો તાજ પહેર્યા બાદ અમિત ચાવડા સૌરાષ્ટ્રનાં પ્રવાશે છે સોમનાથ દાદાનાં દર્શન કરી જુનાગઢમાં કાર્યકરો સાથે સંવાદ સાધી આજરોજ તેઓ રાજકોટમાં કાર્યકરો, અગ્રણીઓ સાતે મુલાકાત કરી હતી. તથા કોંગ્રેસનાં સંગઠનને મજબુત બનાવવા તથા ઘરે ઘરે અને દરેક નાગરીકને કોંગ્રેસનાં વિચારો અને નિતીઓને પહોંચાડવા આહવાન કર્યુ હતુ. અંતે તેઓએ શહેર કોંગ્રેસના અગ્રણી નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂ ખુબજ સારા નેતા તથા કાર્યકરોમાં લોકપ્રિય હોવાનું કહ્યુ હતું. આ તકે શહેર કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કચેરીઓ-બાબુઓ ભાજપનાં એજન્ટ: પરેશ ધાનાણી પત્રકાર પરીષદ સંબોધતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે ભય ભુખ અને ભ્રષ્ટાચાર મુકત ગુજરાતની ડીંગ હાંકતા ભાજપે જ ભ્રષ્ટાચારનાં તમામ વિક્રમો તોડી નાખ્યા છે. રૂપાણીનાં સાશનમાં એક પચી એક મોટા મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે.તમામ સહકારી કચેરીઓ અને બાબુઓ ભાજપનાં એજન્ટ હોય એ રીતે અરજદારો-લોકો પાસેથી રીતસર ઉઘરાણા કરી રૂપીયાના કોથળા ભાજપ કાર્યાલયે ઠલવાતા હોવાનો ગંભીર આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો હતો. પરેશભાઈએ કહ્યું હતું કે, ભાજપની સરકારે અંગ્રેજોનો કાળ સારો કહેડાવ્યો છે. હવે સમય પાકી ગયો છે કે જે રીતે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કઢાયા એજ રીતે ‘અંગ્રેજ માનસ’ ધરાવતા આ લોકોને પણ હાંકી કાઢવામાં આવે.