જોડિયા પાસે 800 કરોડના ખર્ચે મીઠા પાણીનો પ્લાન્ટ નખાશે

કાયમી જળ સમસ્યાને તીલાંજલી આપવા દરિયાના ખારા પાણીને મીઠું કરાશે રાજકોટ તા.16
રાજકોટ મહાનગરપાલિકા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા રાજકોટ શહેરી વિકાસ સતામંડળના સંયુક્ત ઉપક્રમે રૂ.256 કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગોને તેમજ રાજકોટ મહાનગરપાલિકા તંત્રને અભિનંદન આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, જ્યાં માનવી, ત્યાં સુવિધા એ સુત્રને અનુસરીને સરકાર લોકોને રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી પાયાની સુવિધા ઉપરાંત જનતાની ભાવિ પેઢીના વિકાસ માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સાયન્સ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. જે ખેલે, તે ખીલે તે ઉક્તિનો ઉલ્લેખ કરીને તથા સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવી, ગુજરાતનું નામ દેશમાં તેમજ વિદેશમાં રોશન કરેલ છે તે કિસ્સાનો ઉલ્લેખ કરીને, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, ગુજરાતનું બાળક મોટું થઇને વૈજ્ઞાનિક, ખગોળશાસ્ત્રી કે રમતવીર બને તેમજ દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે, તે દિશામાં રાજ્ય સરકાર આ સુવિધાઓ આપી રહી છે.
વિશેષમાં, રાજકોટ શહેર રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજકોટમાં નવું એરપોર્ટ, નવું બસ સ્ટેન્ડ, નવું રેસકોર્ષ તથા નવી જી.આઈ.ડી.સી. આકાર લઇ રહી છે તેની સાથોસાથ નવા રેસકોર્ષમાં 10 એકર જગ્યામાં નવું તળાવ નિર્માણ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ જાહેરાત કરી હતી જે જાહેરાતને ઉપસ્થિત સહુએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવેલ કે, ગુજરાતમાં પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર સતત કાર્યશીલ છે. ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે આગામી 1 મે થી 31 મે દરમ્યાન જળ અભિયાન નો પ્રારંભ થશે. જેમાં 100 તળાવો ઊંડા કરવા, ચેકડેમો રિપેર કરવા 34 નદીઓને સ્વચ્છ બનાવવી, ખેત તલાવડીઓ બનાવવી, જેવી જળસંગ્રહની અનેક કામગીરીઓ સરકાર દ્વારા સંસ્થાઓ, જનતા નગરપાલિકા અને મહાનગરપાલિકાના સહયોગથી રાજ્યભરમાં કરવામાં આવનાર છે. જળ અભિયાનને લીધે રાજ્યભરના હજારો તળાવ ચેકડેમો રિપેર થશે, ડેમોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, ખેતરો સમૃદ્ધ બનશે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સહુને જળ અભિયાનમાં જોડાવા આહવાન કરેલ હતું.
રાજકોટ શહેરની આજી નદીનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આજી નદીમાં આવતા ગંદા પાણીને બંધ કરવામાં આવશે સાથોસાથ આજી નદીને સ્વચ્છ બનાવવામાં આવશે. શહેરના પ્રાચીન એવા રામનાથ મહાદેવ મંદિરમાં આજી નદીનું ગંદુ પાણી ન જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
સૌની યોજનાની કામગીરી પણ રાજ્યભરમાં વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના તમામ ડેમ નર્મદાના નીર સાથે જોડીને સૌરાષ્ટ્રમાં દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે સરકાર કાર્યરત છે. દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો રૂ.800 કરોડનો ડીસેલીનેશન પ્રોજેકટ જોડિયા જામનગર પાસે કાર્યરત થનાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાતમુહર્ત કરવા માટે આમંત્રણ પાઠવાયું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અંદાજીત રૂ.256 કરોડના ખર્ચે જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવેલ. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રૂ.5.10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું તથા એકલવ્ય સ્કુલ ખાતે રૂ.12 કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના મચ્છુનગરમાં રૂ.20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસોનું લોકાર્પણ(લેન્ડ પ્રીમિયમ રૂ.30.12 કરોડ), પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી વિસ્તારમાં રૂ.33.88 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઘર-2નું ખાતમુહૂર્ત, ચંદ્રેશનગર ખાતે 24/7 માટે રૂ.5.94 કરોડના ખર્ચે વોટર સપ્લાય સવલતનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.7 અને 14માં રૂ.31.70 કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈનનો શુભારંભ, સોલિડ વેસ્ટ, ફાયર બિગ્રેડ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટેના અંદાજીત રૂ.5 કરોડના વાહનોની અર્પણવિધિ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી રૂ.5 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસ માટે ખઘઞ, શહેરી વિકાસ સતા મંડળ દ્વારા રૂ.54.25 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઊઠજ એક્ટના 784 આવાસોનું ખાતમુહૂર્ત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.5.50 કરોડના ખર્ચે મામલતદાર કચેરી(પશ્ચિમ)નું ખાતમુહૂર્ત, આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રૂ.67 કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ.
રાજકોટ શહેરમાં નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર 2000.15 ચો.મી.માં 4 બેડમિન્ટન, 8 ટેબલ ટેનિસ, જીમ હોલ, કોચ ઓફીસ, ચેઈન્જ રૂમ, ટોઇલેટ બ્લોક, સ્ટોર રૂમ, પ્રેક્ષક ગેલેરી-5, પ્લેયર ગેલેરી-3, આ ઉપરાંત મેઝનીન ફ્લોર 918.16 ચો.મી.માં જીમ્નાસ્ટીક હોલ, જુડો હોલ, ચેઈન્જ રૂમ, પ્રેક્ષક ગેલેરી-1, પ્લેયર ગેલેરી-1 વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે. આ સંકુલ નિર્માણ પામવાથી રાજકોટ શહેરના તથા સૌરાષ્ટ્રભરના ખેલાડીઓને તેમજ રમતવીરોને પોતાની ખેલકૂદની કારકિર્દી ઘડવામાં ખુબ જ ઉપયોગી થશે. તેમજ આ રમતવીરોને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સુવિધાસભર પ્લેટફોર્મ તરીકે ઉપયોગી થશે. તસ્વીર: પ્રવિણ સેદાણી