ભચાઉ નજીક અકસ્માતમાં એકજ પરિવારના 10ના મોત

ટ્રેકટરમાં મામેરૂ લઈને નિકળેલા શિકારા ગામના પરિવાર પર ખાનગી બસ કાળ બની ત્રાટકી
પટેલ પરિવારના 22 સભ્યો ટ્રેકટરમાં વિજયાસર ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતાં ત્યારે સર્જાયો ગમખ્વાર અકસ્માત: આઠને ઈજા: ત્રણને નાજુક હાલતમાં રાજકોટ ખસેડાયા ભૂજ તા.16
ન જાળ્યુ જાનકી નાથે કે સવારે શું થવાનું છે? આબેહુબ આ જ ઉક્તિનુસાર આજરોજ પૂર્વ કચ્છના ભચાઉ શહેરની ભાગોળે સવારે મામેરૂ લઈને ખુશીથી નીકળેલ શિકરા ગામના એક જ પરીવારના 10 લોકોને માર્ગમાં જ અકાળે યમદુતનો ભેટો થવા સમાન કરૂણાંતીકા સર્જાવવા પામી જતા સિકારા, વાગડ સહિત જીલ્લાભરમાં હાહાકાર મચી જવા પામી ગયો છે. ભચાઉ શહેરની ભાગોળે યુરો સીરામીક કંપની સામે ગમખ્વાર અકસ્માત આજે સવારના સુમારે સર્જાયો હતો. લકઝરી અને ટ્રેકટર ટ્રોલી સામસામે અથડાતા ગંભીર ગમખ્વાર કરૂણ અકસ્માત સર્જાવવા પામી ગયો હતો.
ટ્રેકટરમાં સવાર વ્યકિતઓ પૈકી સાત મહીલા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જયારે એક પુરૂષને હોસ્પીટલ લઈ જતા દમ તોડી દેતા એકચોટ મૃતાંક થવા પામી ગયો હતો. તો વળી એક ગંભીર રીતે ઘવાયેલ વ્યકિતનું સારવાર દરમ્યાન વાગડ વેલ્ફેર હોસ્પીટલમાં મોત નિપજતા મૃતાંગ બપોરે 2 વાગ્યા સુધી 10 થવા
પામ્યો હતો.
મામેરૂ લઈ જતા શિકરા ગામના પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોતથી શિકરાના ગ્રામજનો તથા સમગ્ર વાગડ સહિત કચ્છભરમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. તો વળી લગ્નનો ઉત્સવ શોકમાં પલ્ટાતા પરીવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી જવા પામી ગઈ હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના શિકરા ગામે રહેતા નાનજી સવજી અનાવારીયા (પટેલ) પરીવાર આજે સવારે વિજયપાસર ગામે લગ્ન પ્રસંગે મામેરૂ લઈને જઈ રહ્યો હતો ત્યારે ભચાઉથી ચારેક કી.મી.ના અંતરે ભચાઉ ભૂજ માર્ગે આવેલ યુરો સીરામીક કંપની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી નંબર જીજે 18 ટી 8359 જે કુંભારડી ગામે જાન લઈ જતી હતી તે લકઝરી અને ટ્રેકટર ટ્રોલી નંબર જીજે 12 સીપી 9828 વચ્ચે અકસ્માત થતા ટ્રેકટરમાં સવાર નાનજી સવજી અનાવારીયા પટેલ પરીવારના નવ નવ વ્યકિતઓ યમદૂતનો કોળીયો બની ગઈ હતી. જેમાં સાત મહિલા તથા એક બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતું. જયારે એક પુરૂષને સારવાર માટે ભાચાઉ સરકારી દવાખાનામાં લઈ જતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો. જયારે સાતથી આઠ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા ભચાઉની જુદી જુદી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઘટના સ્થળે દોડી ગયેલા ભચાઉના પીઆઈ એમ.આર. ગોઢાણીયાનો સંપર્ક સાધતા કુલ નવ વ્યકિતઓ અકસ્માતમાં માર્યા ગયેલાઓનું તેમજ અન્ય સાતથી આઠ જેટલાઓને ઈજાઓ થઈ હોવાનું જણાવ્યુ હતું. મૃતકોના મૃતદેહોની પીએમ કરાવવા સહિતની પોલીસ કાર્યવાહી હાથ ધરી દીધી છે. ગોજારા આ કેસની જાણ થતા લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને હોસ્પીટલમાં મોકલી આપવા માટે મદદરૂપ થયા હતા.
કચ્છભરમાં હાહાકાર
ભચાઉના ભાગોડે આજરોજ સર્જાયેલા ગોજારા અકસ્માતની શિકરા ભચાઉ વાગડ સહિત જિલ્લાભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. શિકરાથી વિજપાસર ગામે લગ્ન પ્રસંગે મામેરૂ લઈ જતા પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોતતી શિકરા સહિત સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામી હતી અને લગ્નનો ઉત્સવ માતમ શોકમાં છવાઈ જવા પામ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
ભુજ ભચાઉ વાયા દુધઈ હાઈવે ઉપર યુરો સીરામીક કંપની સામે સર્જાયેલા ગોજારા અકસ્માતની જાણ થતા પૂર્વ કચ્છ એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારે ભચાઉ પાસે ગોજારા અકસ્માતમાં શિકરા ગામના પટેલ પરીવારના દસ વ્યકિતઓના મોત થયાના સમાચાર મળતા જ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ ઘટના સ્થળે તથા હોસ્પીટલ દોડી ગયા હતા. અને મૃતકોના પીએમ કરાવડાવી તત્કાલીક તેમના પરીવારજનોને સુપરત કરાવવા તપાસનીશ અધિકારીને સુચનાઓ આપી હતી.
તબીબો ખડેપગે
ભચાઉ શહેરની ભાગોળે થયેલા ગોજારા અકસ્માતની જાણ થતા ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પીટલના તબીબો મનહર શાહ, ઈશ્રવભાઈ ઓઝાન, તથા હોસ્પીટલનો તમામ સ્ટાફ તાત્કાલીક હોસ્પીટલ દોડી આવેલ અને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર આપી હતી. કાળનો કોળીયો બનેલાઓની યાદી
(1) કંકુબેન ભીમાભાઈ અનાવડીયા ઉ.60 રહે. શિકરા (2) પમીબેન નરશીબેન અનાવાડીયા ઉ.55 રહે. શિકરા (3) જીગ્નાબેન ઈશ્ર્વરભાઈ ભુટક ઉ.25 વિજપાસર (4) દયાબેન મુળજીભાઈ અનાવાડીયા ઉ.75 રહે. શિકરા, (5) માનાબેન રતાભાઈ અનાવાડીયા ઉ.50 રહે. શિકરા (6) નીશાબેન પેથાભાઈ અનાવાડીયા ઉ.17 રહે. શિકરા (7) રામાબેન માદેવાભાઈ અનાવાડીયા ઉ.60 રહે. શિકરા (8) કિશોર મુળજી અનાવાડીયા ઉ.10 રહે. શિકરા (9) વિશાલ રમેશ અનાવાડીયા ઉ.50 રહે. શિકરા. ભચાઉ નજીક લગ્નમાં મામેરૂ લઈ નિકળેલ શિકરા ગામના એક જ પરિવારના 10 સભ્યોના અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.