કોંગો ફીવરના શંકાસ્પદ દર્દીનું મોત

ધોમધખતા તાપ વચ્ચે સ્વાઇન ફલુના ફુફાડા બાદ ખતરનાક કોંગોએ પણ દેખા દેતા ચકચાર ગોંડલના નાના સુખપુરના યુવાનને ત્રણ દિવસ પહેલા રાજકોટ હોસ્પિટલના બિછાને દમ તોડયો રાજકોટ તા.16
ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે પણ થોડા દિવસ પહેલા સ્વાઇન ફલુએ એક વ્યકિતનો ભોગ લેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી ત્યારે ખતરનાક કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગોંડલના નાના સુખપુર ગામના યુવાનને ત્રણ દિવસ પહેલા કોંગોની શંકાએ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો પરંતુ તેનો રીપોર્ટ આવે તે પહેલા જ તેણે હોસ્પીટલના બીછાને દમ તોડી દીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના દેરડી નજીક આવેલા નાના સુખપુર ગામનો 3પ વર્ષીય યુવાન થોડા દિવસોથી તાવ-શરદીથી બીમારીમાં સપડાતા સ્થાનિક તબીબની સારવાર છતા તબીયતમાં સુધારો થયો નહી જેથી તેને ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં પણ ત્રણ દિવસની સારવાર બાદ તેને ગત શુક્રવારે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો
હતો. જ્યાં તબીબોએ કોંગો ફિવરની શંકા વ્યકત કરી સ્વાઇન ફલુ વોર્ડમાં દાખલ કરાયો હતો અને દર્દીના લોહી તથા કફના નમુના લઇ પરીક્ષણ અર્થે પુના ખાતે લેબમાં મોકલાયા હતા. કોંગો ફિવરનો રીપોર્ટ આવે તે પહેલા જ દર્દીએ રવિવારે સાંજે હોસ્પીટલના બીછાને દમ તોડી દેતા પરીવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જેનો રીપોર્ટ ત્રણ-ચાર દિવસ બાદ આવશે તેમ જાણવા મળ્યું છે.