રાજકોટમાં પાડોશી કાકાએ 9 વર્ષની બાળા સાથે ત્રણ વખત દુષ્કર્મ આચરી કર્યું શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સભ્ય સમાજને શર્મસાર કરતી વધુ એક બળાત્કારની ઘટનાથી ચકચાર પારકા ઘરકામ કરતી વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપીની શોધખોળ
રાજકોટ તા.16
રાજકોટ શહેરમાં બહેનો દીકરીઓ ઉપર નજર બગાડતા નરાધમોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરના રૈયા ચોકડી નજીક આવેલ શાસ્ત્રીનગરમાં રહેતી વિધવા મહિલાની 9 વર્ષીય દીકરીને પાડોશી ભરવાડ શખ્સે પોતાના ઘરમાં બોલાવી ત્રણ - ત્રણ વખત દુષ્કર્મ ગુજારી તેમજ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની
ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટની રૈયા ચોકડી નજીક આવેલ શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતી અને ઘરકામ કરતી વિધવા મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન જસદણના શખ્સ સાથે થયા બાદ છુટ્ટાછેડા થયા હતા અને 2006માં રાજકોટમાં બીજા લગ્ન કર્યા હતા તેનાથી એક દીકરીનો જન્મ થયો હતો અને બાદમાં પતિનું મોત નીપજ્યું હતું આ દીકરી હાલ 9 વર્ષની છે અને પોતે પારકા ઘરકામ કરી દીકરીનું ભરણપોષણ કરે છે ગત સાંજે ઘરકામ કરી પરત ઘરે આવી ત્યારે તેની દીકરી બહાર રમતી હોય તેને બોલાવતા તેણી ઘરમાં આવી ન હતી બહાર નીકળીને તેણીને રાડ પાડીને બોલાવતા પાડોશમાં રહેતા કમલેશ ઉર્ફે મુરલી કાળુભાઇ ભરવાડના ઘરમાંથી દીકરી દોડીને બહાર આવી હતી અને એકદમ ગભરાઈ ગયેલી જોવા મળી હતી અને રડતા રડતા દીકરીએ માતાને જણાવ્યું હતું કે તે મુરલીકાકાના ઘરમાં ટીવી જોવા માટે ગઈ ત્યારે મુરલીકાકાએ મારા ટીશર્ટ સહિતના કપડાં પરાણે કાઢી નાખ્યા હતા અને મોબાઈલમાં બીભત્સ વિડીયો દેખાડ્યા હતા અને પોતે પણ પોતાનું પેન્ટ ઉતારીને મારા શરીરના તમામ અંગો ઉપર ચુંબન કર્યું હતું પ્રતિકાર કરવા જતા તેણે મને મોઢે ડૂમો દઈ દીધો હતો ત્યારે જ માટે રાડ પાડતા મુરલીકાકાએ તેણીને મૂકી દેતા સગીરા બહાર દોડી આવી હતી.
આવું પહેલીવાર કર્યું છે કે કેમ તે અંગે માટે પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે આજથી પંદર દિવસ પહેલા મુરલીકાકાએ બે થી ત્રણ વખત આ રીતે રૂમમાં બોલાવી કપડાં ઉતારી પોતે પણ પોતાના કપડાં ઉતારી મારી સાથે ત્રણેક વખત દુષ્કર્મ આચર્યું હતું તેમજ એક વખત શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હોવાનું દીકરીએ જણાવ્યું હતું જેથી આ અંગે મુરલીના ઘરે જઈને તેને આ બાબતે ઠપકો આપતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ અંગે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ યશોદાબેન લેઉવા અને શૈલેષભાઇ કોરાટ સહિતના સ્ટાફે નરાધમ કાકાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.