રોઝડું આડું ઉતરતા ઇકો કારને અકસ્માત, મહિલા સહિત બેનાં મોત

વાંકાનેર નજીક ગારિડા ગામના પાટિયા પાસે જામનગરનો પરિવાર મોરબી માતાજીના દર્શને જતો હતો’ને અકસ્માત નડ્યો
રાજકોટ તા.16
જામનગરનો વિપ્ર પરિવાર ઇકો કાર લઈને મોરબી માતાજીના દર્શન કરવા માટે નીકળ્યો હતો ત્યાં વાંકાનેરના ગારીડા ગામના પાટિયા પાસે વહેલી સવારે ઇકો કાર આડે રોઝડું ઉતરતા કાર પલ્ટી મારી ગઈ હતી જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે તેમજ એક યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા પરિવાર તારાપુર ચોકડીથી મોરબી જતો હોવાનું પોલીસે જણાવ્યું હતું
વાંકાનેર તાલુકાના ગારીડા ગામના પાટિયા પાસે વહેલી સવારે ઇકો કારને અકસ્માત નડ્યો હોવા અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોરભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જામનગર રહેતો છ સભ્યોનો વિપ્ર પરિવાર તારાપુર ચોકડી તરફ ગયો હતો અને ત્યાંથી મોરબી માતાજીના દર્શન કરવા માટે રવાના થયો હતો ત્યારે સવારે ગારીડા ગામના પાટિયા પાસે સવારે રોઝડું આડું ઉતરતા ઇકો કારના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માત થતા ચાંદની ભાવેશભાઈ પંડ્યા નામની 25 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જયારે સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.