કઠુઆ ગેંગરેપ: મુસ્લિમ બાળકીનો કેસ લડતી હિન્દુ વકીલને ધમકી

નવીદિલ્હી તા.16
સામૂહિક દુષ્કર્મ પછી 8 વર્ષની બાળકીની હત્યાના આઠ આરોપીઓ સામે સોમવારથી કેસ શરૂ થશે. બીજી બાજુ બાળકીના પરિવારજનો તરફથી લડી રહેલી વકીલ દીપિકા એસ રાજાવતે પણ ધમકીઓ મળ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મને નથી ખબર હું ક્યાં સુધી જીવતી રહીશ. મારી સાથે દુષ્કર્મ પણ થઈ શકે છે અને મારી હત્યા પણ થઈ શકે છે. મને ગઈ કાલે જ ધમકી મળી હતી કે તને માફ નહીં કરીએ. તેમણે કહ્યું છે કે, તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવશે કે તેને જીવનું જોખમ છે.
રાજાવતે આગળ કહ્યું કે, બાર એસોસિયેશનના વકીલે મને એકલી પાડી દીધી છે. કોર્ટમાં પ્રેક્ટિસ કરવાથી પણ મને રોકવામાં આવી રહી છે. મને નથી ખબર કે આગળ શું થશે. મુસ્લિમ છોકરી માટે ઈન્સાફની લડાઈ લડતી હોવાથી મને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહી છે. મને સમાજમાંથી બહાર કાઢવાની વાતો પણ કરવામાં આવી રહી છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)એ કહ્યું છે કે, વકીલો સાથે જોડાયેલા વિવાદની તપાસ માટે કાઉન્સિલની એક પેનલ બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર બાર એસોસિયેશનના વકીલો પર આરોપીઓને સપોર્ટ કરવાનો આરોપ છે. તેમણે 10 એપ્રિલે પોલીસને ચાર્જશીટ રજૂ કરતા રોક્યા હતા.
નોંધનીય છે કે, આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીમાં એક સગીર પણ છે. એસઆઈટીએ તેમના વિરુદ્ધ અલગ ચાર્જશીટ દાખલ કરી છે. નિયમો અંતર્ગત કઠુઆના ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના સાત આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સેશન્સ કોર્ટને મોકલવામાં આવશે. જ્યારે સગીર વિરુદ્ધ તેજ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
આ સંવેદનશીલ કેસમાં હિન્દુ મુસ્લિમના જાતીવાદના કારણે મહેબુબા સરકારે સરકારી વકીલ તરીકે સિખ સમુદાયના બે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યૂટરની નિમણૂક કરી છે.