ધારાસભ્ય દીઠ 1-1 લાખ રૂપિયા જમા કરાવવા કોંગ્રેસનો આદેશ

ધારાસભ્યોમાં અવઢવ અને વિવાદનાં વાવેતર રાજકોટ તા.16
એક આશ્ર્ચર્યજનક આદેશમાં કોંગ્રેસ હાઇકમાન્ડે પક્ષના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં 1-1 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેતા ચકચાર મચી છે. મળતી વિગતો મુજબ પ્રદેશ ગુજરાતનાં હાઇકમાન્ડે ગુજરાત વિધાનસભાનાં બજેટ સૂત્ર દરમિયાન જ આવો આદેશ આપી દીધો હતો પરંતુ ધારાસભ્યો અવઢવમાં રહેતા લક્ષ્યાંક પૂર્ણ થાય તે પહેલાં જ વિવાદ પૂર્ણ કળાએ ખીલી ઉઠયો હતો. ઉપલબ્ધ વિગતો મુજબ કોંગ્રેસ હાઇકમાન્ડે સંગઠનને અનેકવિધ કાર્યક્રમો આપવામાં તેમજ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ મોટી માત્રામાં નાણાંકીય આવશ્યકતા હોય, પ્રત્યેક ધારાસભ્યએ એક-એક લાખ રૂપિયા પાર્ટી ફંડમાં જમા કરાવવા આદેશ કર્યા છે. જો કે આ બાબતે પક્ષનાં ધારાસભ્યો ભારે અવઢવ અનુભવતા હોય, લક્ષ્યાંક પાર પડયો નથી અને કર્ણોપકર્ણ વિવાદ ઉભરી રહ્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં એસો. ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ દ્વારા ભાજપ-કોંગ્રેસ સહિતનાં 7 રાષ્ટ્રીય પક્ષોના આવક-જાવકના આકડા પેશ કરાયા હતા. તેમાં ભાજપે ર01પ-16 ની સરખામણીએ 81.18 ટકા જેવી વધારાની આવક મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 14 ટકા ઓછી આવક થયાનું બહાર આવ્યું હતું. આમ, કોંગ્રેસ રાજકીય ઉપરાંત આર્થિક તંત્રીમાંથી પણ પસાર થઇ રહ્યાનું ચિત્ર ઉપસ્યું હતું.