શ્રીમહાવીર જન્મકલ્યાણક અવસરે શોભાયાત્રા તથા વેશભુષાનું આયોજન

રાજકોટ,તા.20
અહિંસાનાં અવતાર, કરૂણા સાગર પ્રભુ મહાવીરનાં જન્મ કલ્યાણક મહોત્સવ દિનનાં વધામણા કરવા ધર્મનગરી રાજકોટમાં વહેલી સવારથી લઇ મોડી રાત્રી સુધીનાં અનેકવિધ ભકિતભીના આયોજનો કરેલા છે. તે અંતર્ગત ગુરૂવાર સવારનાં 8 કલાકે શ્રમણ ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ આયોજીત ઐતિહાસીક શોભાયાત્રા જે કિશાનપરા ચોક થી શુભારંભ થઇ ચૌધરી હાઇસ્કુલ પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે ધર્મસભામાં પરિવર્તીત થશે.
રાજકોટનાં ચારે ફિરકાઓ માટે વેશભુષા સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં 10 વર્ષથી નીચેના ભાઇઓ બહેનો માટે તથા 10 વર્ષથી ઉપરના ભાઇઓ તથા બહેનો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં વેશભૂષા સ્પર્ધા માટે ત્રિશલા માતા, સુલસા, અમરકુમાર, ભરત ચક્રવતી, બાહુબલી, રોહિણેય ચોર, મરીચી, શ્રેયાંસકુમાર, ચંદનબાળા, સીતા, સુદર્શન શેઠ વગેરે પાત્રો બની શકાશે. ઋષભદેવ કે ચોવીસ તીર્થંકરમાંથી કોઇપણ ભગવાનના પાત્રો નહીં બની શકાય. જ્યાં જરૂર હોય ત્યાં ફોટો બેનર આદિ મુકી શકાશે. તેમજ પ્રસંગને અનુરૂપ વિવિધ વેશભૂષા ધારણ કરી શકાશે.
સ્પર્ધકોએ તા.29/03/2018ને ગુરૂવારના રોજ સવારે 7 કલાકે કિશાનપરા ચોક શ્રી મહિલા કોલેજ તરફ જતા માર્ગ પર આવેલ દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરની ઓફિસે ઉપસ્થિત રહેવાનું છે. ત્યારબાદ બધાને શોભાયાત્રામાં જોડાવવાનું રહેશે અને ધર્મયાત્રા બાદ ઇનામ વિતરણ કરવામાં આવશે.
વેશભૂષા સ્પર્ધાના રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે સર્વ શ્રી રૂષભભાઇ શેઠ (93748 39747), અમિષભાઇ દેસાઇ (98256 27180) અને નિપૂર્ણભાઇ દોશી (98255 97612)નો સંપર્ક કરવા અને પ્રભુ મહાવીરનાં જન્મ કલ્યાણકના વિવિધ કાર્યક્મોનો લાભ લેવા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે.