હવે મહારાષ્ટ્રમાં સંસદની બે પેટા ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર

ઉ.પ્ર. અને બિહારની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ મહારાષ્ટ્રમાં ભાજપ સામે નવો પડકાર નવીદિલ્હી,તા.20
ઉતર પ્રદેશની પેટાચૂંટણીઓમાં અને બિહારમાં ભૂંડી હાર પછી મહારાષ્ટ્રમાં હવે આવી રહેલ સંસદની બે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ સામે પોતાની આબરૂ બચાવવાનો પડકાર આવી રહ્યો છે. મહારાષ્ટ્રના ભંડારા ગુંદીયા તથા પાલઘર લોકસભાની પેટાચૂંટણીમાં જીત માટે ભાજપ આત્મવિશ્વાસ સેવી રહ્યો છે. જયારે કોંગ્રેસ માને છે કે આ પેટા ચૂંટણીઓમાં પ્રજાનો સહકાર તેમને જ મળશે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભાજપને જે ભૂંડો પરાજય મળ્યો તેનાથી કોંગ્રેસ ભારે ઉત્સાહમાં છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ફૂલપુરમાં તથા બિહારના અરરિયા ખાતે તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કારમો પરાજય મળ્યો છે તે જાણીતી વાત છે. ભાજપના પ્રવકતા માધવ ભંડારીએ કહ્યું કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભાજપના પરાજયના કારણો અલગ અલગ છે. જો કે મધ્યપ્રદેશમાં ભાજપ બંને વિધાનસભાની સીટો બચાવવામાં સફળ રહેલ પરંતુ ત્યાં જીતનો માર્જીન ઘટી ગયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે કહ્યું છે કે જુદા જુદા રાજયોના મુદ્દાઓ ભલે જુદા જુદા હોય પરંતુ પરિણામો જોતા સ્પષ્ટ જણાય છે કે પ્રજાએ પોતાનો નિર્ણય નક્કી કરી દીધો છે અને એ બાબતમાં પ્રજા એક છે કે ભારતીય જનતા પક્ષ ગરીબવિરોધી પક્ષ છે અને તેઓ બેરોજગારી અને ગરીબો તથા ખેડૂતો સાથે કરેલા વાયદાઓ પૂરા કરવામાં સંપૂર્ણ અસફળ રહેલ છે. ભાજપ વિરૂદ્ધ પ્રજામાં ભારે રોષ છે અને મહારાષ્ટ્રમાં આવી રહેલ પેટાચુંટણી આના પરિણામ પણ અલગ નહીં જ હોય. મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં બે લોકસભા અને એક વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીઓ યોજાવાની છે જેની તારીખો હવે પછી જાહેર થશે.