દેના બેંકના કૌભાંડીઓનો કોમર્શિયલ બેંકને રૂપિયા 5.50 કરોડનો ધુંબો!


રાજકોટ તા.13
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર રહેતા અને ગોંડલ રોડ પર બોગસ પેઢી ઉભી કરી દેના બેન્કમાંથી 5.48 કરોડની લોન લઇ ધૂંબો મારી દેનાર પિતા પુત્ર જેલહવાલે થયા બાદ મુંબઈથી પકડાયેલ ત્રીજા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે તેને આ ઉપરાંત રાજકોટની દેના બેન્ક અને કોમર્શિયલ બેન્કમાંથી 8.5 કરોડની લોન ઉપરાંત મુંબઈની ફાઇનાન્સ પેઢીનું એકાઉન્ટ હેક કરી 3 કરોડ ઉપાડી લીધા હોવાનું ખુલતા વધુ ફરિયાદ નોંધાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ દેના બેન્કમાંથી 5.48 કરોડની લોન લઈને ધૂંબો મારી દેનાર મેં.કોટેચા કંપનીના ભાગીદારો મનોહરલાલ કોટેચા અને પુત્ર રચિત કોટેચાને જેલહવાલે કર્યા બાદ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને મનોહરલાલ કોટેચાનો પુત્ર હાર્દિક કોટેચા મુંબઈથી ઝડપાઇ ગયા બાદ તેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરી તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો આવી હતી જેમાં આ માસ્ટર માઈન્ડ હાર્દિક કોટેચા વિરુદ્ધ જયપુરમાં પણ ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત પોતે જયારે મુંબઈ હતો ત્યાં એયુ ફાઇનાન્સ નામની પેઢીમાં તેની દોઢ કરોડની લિમિટ હોય તે પેઢીનું એકાઉન્ટ લેપટોપ મારફતે હેક કરી તેની લિમિટ ત્રણ કરોડની કરી રૂપિયા ઉપાડી લીધા હતા આથી વિશેષ રાજકોટની દેના બેન્કમાંથી સ્મિત ઇન્ડસ્ટ્રીઝના નામે 3 કરોડની લોન , કોમર્શિયલ બેન્કમાંથી 5.5 કરોડની લોન અને મનહરલાલે પોતે દોઢ કરોડની લોન લીધી હોવાનું જાણવા મળ્યું છે મુંબઈમાં જે પેઢીનું એકાઉન્ટ હેક કર્યું તે પેઢીના સંચાલકો પૂછતાછ માટે ગયા ત્યારે પોલીસને 100 નંબર ઉપર ફોન કરીને બોલાવી લઇ બચાવ કર્યો હતો હજુ તપાસ દરમિયાન વધુ ફરિયાદો નોંધાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે કૌભાંડમાં સંડોવાયેલ પિતા - પુત્રો પૈકી હાર્દિક માસ્ટર માઈન્ડ છે અને બંને ભાઈઓને દૂરનું નહિ દેખાતું હોવાનું જાણવા મળ્યું છે. 200 થી 250 કરોડની પ્રોપર્ટી ધરાવે છે
બેન્કોમાંથી ખોટી પેઢી ઉભી કરી લોન લઇ કરોડોનું કૌભાંડ આચરનાર કોટેચા પિતા - પુત્ર 200 થી 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ધરાવે છે સિલ્વર હાઈટ્સ અને ક્રિસ્ટલ મોલ જેવી મોકાની પ્રોપર્ટીમાં પોતાની અમુક જગ્યા હોવાનું ખુલ્યું છે તે ઉપરાંત મોટા પ્લોટ હોવાનું જાણવા મળ્યું છે.
ચેક રિટર્નની ફરિયાદ થઇ હતી
હાર્દિક કોટેચા સામે મુંબઈમાં પણ ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.