જૂની મિલકતો હેતુફેર કેમ ન થઈ? વિપક્ષે હથિયાર સજાવ્યા

57 નિયમોમાંથી 30 કોના કહેવાથી રદ થયા: જવાબ માટે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર લડાયક મૂડમાં
રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલીકાનું સ્પેશ્યલ જનરલ બોર્ડ આગામી શુક્રવારના રોજ મળનાર છે. કાર્પેટ એરીયા આધારીત નિયમોની મંજુરી માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ છે. બોર્ડમાં પ્રશ્ર્નોતરી કરવામાં નહીં આવે પરંતુ એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તોની ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યા બાદ વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષને ભીડવવા માટે તૈયારીઓ આરંભાઈ ચુકી છે.
જનરલ બોર્ડમાં મુખ્ય મુદ્દો કાર્પેટ એરીયા આધારીત વેરા પદ્ધતીના નિયમોને મંજુરી આપવાનો છે. સ્ટેન્ડીંગ કમીટીમાં તમામ નિયમો મંજુર થઈ ચુકયા છે અને બોર્ડમાં મંજુરી મળ્યા બાદ રાજય સરકારમાં રજુ કરવાનો હોવાથી વિરોધ પક્ષ દ્વારા નિયમોમા અમુક અનઅધિકૃત ફેરફારો કરવામાં આવ્યા છે તે મુદ્દે જવાબ માંગવામાં આવશે તેમ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યુ હતું. તેમણે જણાવેલ કે જુના રાજકોટ ગુંદાવાડી, કોઠારીયા નાકા, સોની બજાર સહિતના વિસ્તારોમાં રહેણાંકના મકાનોમાં કોમર્શિયલ બાંધકામો થઈ ગયા છે અનેક સ્થળે જુના મકાનોને ગોડાઉનમાં રૂપાંતરીત કરાયા છે તો હેતુફેર થઈ ગયેલ મકાનોની તપાસ કેમ નથી કરાઈ આ બાબતે શાસક પક્ષની મીલીભગત હોવાનું જણાઈ રહ્યુ છે તેમ જણાવ્યુ હતું. જનરલ બોર્ડમાં વોર્ડ નં.13 ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા નિયમોના લીસ્ટમાંથી અમુક નિયમોની બાદબાકી શા માટે અને કોના કહેવાથી કરાઇ તે બાબતે જવાબ માંગવામાં આવશે તેમના જણાવ્યા મુજબ કાર્પેટ એરીયા આધારીત કુલ 57 નિયમો બનાવાયેલ પરંતુ 30 નિયમો રદ કરી નંખાયા છે તે નિયમો શું હતા અને શા માટે રદ કરવામાં આવ્યા અને કોની સત્તાથી રદ થયા છે તેનો જવાબ માંગવામાં આવશે તેમ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યુ હતું. વિરોધ પક્ષ દ્વારા હાલમાં કાર્પેટ એરીયા આધારીત નિયમોમાં શાસક પક્ષની રહી ગયેલી ચૂંક શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.