મુખ્યમંત્રીના મત વિસ્તારના 15 BLOને નોટિસ


રાજકોટ તા.13
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મત વિસ્તારમાં મતદારયાદી તેમજ ચૂંટણીની કામગીરી માટે નવી નિમણુંક કરવામાં આવેલા બીએલઓ હાજર નહીં થતા 1પ જેટલા બીએલઓને ચૂંટણી અધિકારી - પ્રાંત અધિકારી પી.આર.જાનીએ નોટીસ ફટકારી છે.
તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સતત બે રવિવાર સુધી તમામ બીએલઓને મતદાર મથકો ખાતે હાજર રહી નવા મતદાર અને કમી કરનાર મતદારના ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જીલ્લામાં અંદાજે 40 હજારથી વધુ નવા મતદારોની નોંધણી કરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા નવા નોંધાયેલા મતદારોની ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીએલઓ દ્વારા જે નવા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે તે તમામ મતદારોની એન્ટ્રીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં યોજાયેલા કાર્યક્રમ બાદ ચૂંટણી પંચ દ્વારા નવા સોફટવેરનો પાસવર્ડ આપવામાં નહીં આવતા આ કામગીરીમાં વિલંબ થયો હતો અને હવે તે કામકાજ શરૂ થયું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મત વિસ્તારમાં નવા બીએલઓની નિમણુંક કરવામાં આવી છે. સરકારના નિયમ મુજબ એક બીએલઓ ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી શકે તેથી કેટલાક બીએલઓની મુદત પુરી થતા નવા બીએલઓની નિમણુંક કરવામાં આવી હતી અને તે બીએલઓને મતદાર યાદીનું કામકાજ સોપવામાં આવ્યું હતું પરંતુ નિમણુંક છતા પણ બીએલઓ હાજર નહીં થતા અવારનવાર મૌખિક સુચના આપવામાં આવી હતી.
પશ્ર્ચિમ મામલતદાર કચેરીના 1પ જેટલા બીએલઓ હાજર નહીં થતા આ અંગેનો રીપોર્ટ ડે. કલેકટરને કરવામાં આવ્યો
હતો. ડે. કલેકટર પી.આર.જાનીએ તમામ બીએલઓને ફરજ પર હાજર ન થતા નોટીસ ફટકારતા બીએલઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.