રાજકોટના 300 રેશનિંગ વેપારીઓએ માગ્યુ ઇચ્છામૃત્યુ!

આધારકાર્ડ સાથે લીંકઅપની કામગીરી નહી થતી હોવાથી ત્રાહિમામ વેપારીઓએ અપનાવ્યો અનોખો રસ્તો: કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ તા.13
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ઇચ્છામૃત્યુના ચુકાદા બાદ રાજકોટના 300 જેટલા સસ્તા અનાજના પરવાનેદારોએ ઇચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે. સરકારી તંત્રની કનડગત અને જડ કાયદા સામે એક સાથે 300 જેટલા વેપારીઓએ ઇચ્છામૃત્યુની માંગણી સાથેનું આવેદનપત્ર જીલ્લા કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લીંકઅપ માટેનો અદ્યતન સોફટવેર અમલી બનાવ્યો છે તેના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થઇ ગયો છે. સીધો સેટેલાઇટ મારફત આ કામગીરી થતી હોવાથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. ઝડપી કામગીરી થવાને બદલે એક બીલ 1પ મિનિટે નીકળતું હોવાની ફરીયાદ ઉઠી છે. આ મામલે વેપારીઓએ તાજેતરમાં હડતાલ પાડી વિરોધ દર્શાવ્યો હતો. પરીણામે સરકારે વેપારીઓની માગણી અંગે યોગ્ય કરવાની ખાતરી આપતા હડતાલ સમેટી લીધી હતી પરંતુ હડતાલના અઠવાડીયા બાદ ફરી પ્રશ્ર ઉપસ્થિત થતા વેપારીઓએ અંતિમ રસ્તો અપનાવવાનું નક્કી કર્યુ છે.
આજે બપોરે રાજકોટ જીલ્લા કલેકટરને સસ્તા અનાજ એસોસિએશનના હોદ્દેદારો નરેન્દ્ર ડવની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ઉપગ્રહ આધારીત આધારકાર્ડ સાથેની રેશનકાર્ડ લીંકઅપની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી. ધીમી કામગીરીના કારણે દુકાનદાર સાથે ગ્રાહકોની રોજ બોલાચાલી અને ઘર્ષણના બનાવો થઇ રહ્યા છે. આથી વાજ આવી ગયેલા વેપારીઓએ આ અંગે કલેકટર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ ઉપરાંત એસો.ના હોદ્દેદારોએ એવો ધગધગતો આક્ષેપ કર્યો હતો કે રાજકોટ ઝોનલ કચેરી-1 અને ર ની કચેરીના અધિકારીઓ દ્વારા પરવાનેદારોને રોજ એસએમએસ મોકલી કલેકટરના નામે તતડાવવામાં આવે છે. રોજેરોજ આવી ઘટનાઓ બની રહી છે. સરકારી તંત્રની નાહકની કનડગતના કારણે વેપારીઓ દુકાન ખોલી શકતા નથી. હિસાબકિતાબ તેમજ વિતરણ વ્યવસ્થાને અસર પહોચી છે.
વેપારીઓએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 1 માર્ચથી નવા સોફટવેરની કામગીરી અમલી બનાવવામાં આવી છે. આ કામગીરીમાં સોફટવેર મોટાભાગે બંધ થઇ જતું હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. તેથી 31 માર્ચ સુધીમાં સોફટવેર બદલવામાં નહીં આવે તો
રાજકોટના 300 જેટલા સસ્તા અનાજના પરવાનેદારોને ઇચ્છામૃત્યુ આપવામાં આવે.
વેપારીઓએ વધુમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે દુકાને બેસી કાર્ડધારકોના અંગુઠા લેવામાં આવે છે પરંતુ 10 થી 1પ ટકા ગ્રાહકોના અંગુઠા મેચ થાય છે. પ0 ટકા કાર્ડધારકોના આધારકાર્ડ ઝોનલ ઓફીસમાં જમા કરાવ્યા છે છતા તેના અંગુઠા અને આધારકાર્ડ વેરીફાઇ થતા નથી તેના કારણે વેપારીઓ સાથે ગ્રાહકો માથાકુટ કરી રહ્યા છે.
અંગુઠા મેચ નહીં થતા હોવાના કારણે આવા કાર્ડધારકોને સરકારી તંત્ર દ્વારા ભુતીયા કાર્ડ ગણવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા એક દાયકાથી ભુતિયાકાર્ડની રપ વખત નાબુદી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તંત્રને કશું જ હાથ લાગ્યું નથી છતા પણ અમારી સાથે ચોર જેવું વર્તન કરવામાં આવે છે.
સરકારની છેલ્લા કેટલાક સમયથી નીતિ-રીતિથી કંટાળી વેપારીઓએ જણાવ્યું હતું કે તા.31-3 સુધીમાં સોફટવેરની ખામી દુર કરવામાં નહીં આવે અને ઝોનલ-1 તેમજ ઝોનલ-ર ના અધિકારીઓ દ્વારા અપાતો માનસિક ત્રાસ બંધ કરવામાં નહીં આવે તો અમને ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)